02 January, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વૉર્ડ-નંબર 18-Bમાંથી બિનવિરોધ ચૂંટાઈ આવેલા ભારતીય જનતા પાર્ટીના નગરસેવક નીતિન પાટીલ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
KDMCમાં મહાયુતિના ૯ ઉમેદવારો બિનવિરોધ જીતી ગયા
સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા સ્ક્રૂટિની કર્યા બાદ ૧૨૨ બેઠકો ધરાવતી કલ્યાણ–ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા ભારતીય જનતા પાર્ટી (BJP)નાં પાંચ ઉમેદવાર રેખા ચૌધરી, આસાવરી નવરે, રંજના પેણકર, મંદા પાટીલ અને જ્યોતિ પાટીલ અને એકનાથ શિંદેની શિવસેનાના ૪ ઉમેદવાર રમેશ મ્હાત્રે, વિશ્વનાથ રાણે, વૃષાલી રણજિત જોશી અને હર્ષલ મોરે બિનવિરોધ જીતી ગયાં છે. રાજ્યમાં BJPના ૮ અને શિવસેનાના પાંચ ઉમેદવાર બિનવિરોધ જીતી આવ્યા છે. આમ મહાયુતિને KDMCમાં સત્તા પર આવવા ૬૩ બેઠકો પર જીતવું જરૂરી છે. એથી હવે મહાયુતિએ ૫૩ બેઠકો સર કરવી પડશે. આ બિનવિરોધ જીતી ગયેલા ઉમેદવારોની સફળતા માટે BJPના સ્ટેટ પ્રેસિડન્ટ રવીન્દ્ર ચવાણ અને સંસદસભ્ય શ્રીકાંત શિંદેએ ગણતરીપૂર્વક કરેલી રણનીતિ કામ કરી ગઈ છે એવું ચર્ચાઈ રહ્યું છે.
ભિવંડીમાં પણ BJPના ઉમેદવારનો બિનવિરોધ વિજય
ભિવંડી-નિઝામપુરમાં પણ BJPના ઉમેદવાર બિનવિરોધ જીતી ગયા છે. ભિવંડી-નિઝામપુરના વૉર્ડ-17 Bમાં BJPના ઉમેદવાર સુમિત પુરુષોત્તમ પાટીલ બિનવિરોધ જીતી ગયા છે. સુમિત પાટીલ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી કપિલ પાટીલનો ભત્રીજો છે. ભિવંડી-નિઝામપુરમાં છેલ્લાં ૨૪ વર્ષમાં થયેલી ચાર ચૂંટણીમાં એક પણ ઉમેદવાર બિનવિરોધ જીતી નહોતો આવ્યો. એ વિક્રમ હવે સુમિત પાટીલના નામે નોંધાયો છે.
પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૭૮ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે એના પ્રભાગ-ક્રમાંક 18-Bમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર નીતિન પાટીલ બિનવિરોધ ચૂંટાઈ આવ્યા છે. તેમના વૉર્ડમાંથી અરજી કરનાર શેતકરી કામગાર પક્ષના ઉમેદવાર રોહન ગાવંડની અરજી સ્ક્રૂટિનીમાં રદ થતાં નીતિન પાટીલ બિનવિરોધ ચૂંટાઈ આવ્યા હતા. નીતિન પાટીલ પહેલાં પણ પનવેલ મહાનગરપાલિકામાં BJPના નેતા રહી ચૂક્યા છે. પનવેલમાં મહાયુતિએ મહા વિકાસ આઘાડીના ઘણા બધા નગરસેવકોને ફોડ્યા છે એથી મહા વિકાસ આઘાડીનું જોર ઓછું થયું છે. પનવેલ શહેર અને ન્યુ પનવેલમાં મહા વિકાસ આઘાડી પાસે મજબૂત ઉમેદવારો ન હોવાને કારણે મહાયુતિ જોર લગાવી રહી છે અને હવે નીતિન પાટીલ બિનવિરોધ ચૂંટાઈ આવવાને કારણે BJPમાં ખુશીનો માહોલ છવાયો છે.