15 November, 2026 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિનાજ્ઞા શાહ
મુલુંડ-વેસ્ટના રુણવાલ અૅન્થુરિયમ કૉમ્પ્લેક્સના જેમિની નામના ટાવરમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કમનસીબ દુર્ઘટના બની છે. અહીં રહેતી માત્ર ૯ વર્ષની જિનાજ્ઞા શાહ ગુરુવારે સવારે પોતાના ઘરમાં પૂજા કરી રહી હતી ત્યારે અચાનક દીવાના કારણે તેનાં કપડાંમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે શરીર અંદાજે ૮૦ ટકા જેટલું દાઝી ગયેલું હોવાથી ડૉક્ટરોની તમામ કોશિશો છતાં ગુરુવારે મોડી રાત્રે હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન જિનાજ્ઞાએ આખરી શ્વાસ લીધા હતા. તહેવારોના પવિત્ર માહોલ વચ્ચે બનેલી આ આઘાતજનક ઘટનાને કારણે સમગ્ર અૅન્થુરિયમ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો છે.
ઘટનાની વિગતવાર માહિતી આપતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિનાજ્ઞાના પિતા જિનેશ શાહ સિરૅમિકના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે તેની મમ્મી અમી ડૉક્ટર છે. જિનેશનાં ત્રણ સંતાનોમાં જિનાજ્ઞા સૌથી નાની હતી. હૉસ્પિટલમાંથી જાણ થતાં જ અમારી ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. શુક્રવારે સવારે ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલ ખાતે બાળકીના મૃતદેહનું પેાસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. આ મામલે પ્રારંભિક તબક્કે ઍક્સિડન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.’
શુક્રવારે પરિવારજનો અને સ્નેહીજનોની ઉપસ્થિતિમાં મુલુંડના સ્મશાનગૃહ ખાતે જિનાજ્ઞાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘરમાં પૂજા-અર્ચના સમયે બનેલી આ અણધારી દુર્ઘટનાએ હસતા-રમતા પરિવારને સ્તબ્ધ કરી દીધો છે.