પોતાની જ ચરબી ઉતારી પોલીસે

27 October, 2021 08:35 AM IST  |  Mumbai | Mehul Jethva

યસ, શબ્દશ: આવું કર્યું મુંબઈ પોલીસે : ૯૦ દિવસ ફિટનેસ પર ધ્યાન આપીને કેટલાક અધિકારીઓએ ૧૨ કિલો વજન ઓછું કર્યું : કોવિડ પછી ખાસ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરાયો

જોઈ લો સુભાષ હમરેની બિફોર અને આફ્ટરની તસવીર, છેને દેખીતો ફરક

મુંબઈ પોલીસે કોરોનાકાળમાં ૧૧૦ કરતાં વધુ પોલીસો ગુમાવ્યા હતા એ જોતાં મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ પોલીસ અધિકારીઓની ફિટનેસ માટે એક અભિયાન શરૂ કર્યું હતું. એમાં પહેલા ૯૦ દિવસમાં પાંચ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરીને દરેક પોલીસ સ્ટેશનમાંથી ૨૦ અધિકારીઓને ફિટનેસની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. જેમાં ફિટનેસની ઝુંબેશ અને ડાયટ પર ધ્યાન આપીને મુંબઈ પોલીસના અધિકારીઓએ ૧૨ કિલો સુધી વજન ઓછું કર્યું છે.

કોરોનાકાળમાં મૃત્યુ પામેલા અધિકારીઓના મૃત્યુ પાછળ કોરોના તો જવાબદાર હતો જ. એ સાથે તેઓ અનફિટ હતા અને બીમારીથી પીડાતા હોવાથી તેમનાં મૃત્યુ થયાં હતાં. જુલાઈમાં મુંબઈ પોલીસ દ્વારા અનફિટ અને બીમાર અધિકારીઓ માટે ફિટનેસની ઝુંબેશ સ્ટાર્ટ કરવામાં આવી હતી. એમાં ટ્રાયલ બેઝ પર પાંચ પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં દરેક પોલીસ સ્ટેશનના ૨૦ અનફિટ અધિકારીઓ શૉર્ટલિસ્ટ કરીને તેમની ટ્રેઇનિંગ શરૂ કરવામાં આવી હતી. આ પોલીસ સ્ટેશનોમાં અઠવાડિયામાં એક દિવસ નક્કી કરીને અધિકારીઓને ટ્રેઇનિંગ આપવામાં આવી હતી.

મુંબઈ પોલીસના આ પ્રોજેક્ટનાં મુખ્ય ઇન્ચાર્જ ડૉક્ટર સાયલી ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પહેલા તબક્કામાં આ અધિકારીઓના રોજિંદા ક્રમની જાણકારી લીધી હતી. ત્યાર પછી તેમના નાસ્તાના અને જમવાના સમયની માહિતી લેવામાં આવી હતી. એમાં જાણવા મળ્યું હતું કે ૯૫ ટકા પોલીસ અધિકારીઓ સમયસર જમતા જ નથી અને આશરે ૮૫ ટકા પોલીસ અધિકારીઓ બહારનું ખાતા હોય છે. એટલે અમે પહેલાં તેમનો ડાયટ પ્લાન તૈયાર કર્યો હતો અને તેમને સમયસર ખાવાની સૂચના આપી હતી. એ પછી અમે ઉંમર જોઈને તેમને એક્સરસાઇઝ અને યોગ શીખવ્યાં હતાં. એ રીતે દરેક અધિકારી પર નિયમિત ધ્યાન આપીને ૯૦ દિવસમાં અમે ૯૫ ટકા અધિકારીઓને બીમારીમાંથી રાહત આપવામાં અને તેમને ફિટ બનાવવામાં સફળ રહ્યા છીએ.’

મારી જિંદગીનાં ૧૫ વર્ષ વધી ગયાં

ફિટનેસ ટ્રેઇનિંગમાં ભાગ લેનારા પંતનગર પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ અનિલ સાંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી ઉંમર ૪૯ વર્ષની છે. મારું વજન ત્રણ મહિના પહેલાં ૧૧૧ કિલો હતું. અત્યારે મારું વજન ૯૯ કિલો છે. કમિશનર હેમંત નગરાળેએ અમારી ફિટનેસ પર ધ્યાન આપીને અમારા જીવનનાં ૧૫ વર્ષ વધારી દીધાં હોવાનું હાલમાં મને લાગી રહ્યું છે. વધારે વજનને કારણે મને કેટલીક બીમારીઓ પણ થઈ હતી, પણ આ ટ્રેઇનિંગથી મને બીમારીમાં પણ રાહત મળી છે. મેં બહારનું ખાવાનું બંધ કરી દીધું છે. હું ઘરેથી જ નાસ્તો, જમવાનું અને ડ્રાયફ્રૂટ્સનો ડબ્બો લઈને ડ્યુટી પર આવું છું જેથી ભૂખ લાગે ત્યારે એમાંથી ખાઈ શકું.’

હું મારી જાતને ૪૫ વર્ષની ફીલ કરું છું

ફિટનેસ ટ્રેઇનિંગમાં ભાગ લેનારા શિવાજીનગર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુભાષ હમરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી ઉંમર ૫૨ વર્ષની છે. મને ડાયાબિટીઝ અને હાઇપરટેન્શન છે. આ ઝુંબેશ પછી હું મારી ઉંમર ૪૫ વર્ષની હોય એવું ફીલ કરી રહ્યો છું. મારી ઑફિસ ત્રીજા માળે છે અને કેટલીક વાર ચોથા માળે બેસવું પડે છે. ત્રણ મહિના પહેલાં હું એક વાર ત્રણ માળ ચડી જાઉં પછી બીજી વાર મારી હિંમત નહોતી થતી. કેટલીક વાર ત્રીજા માળેથી ચોથા માળે ગયા પછી હું પોતાને બહુ વીક મહેસૂસ કરતો હતો. ફિટનેસ ઝુંબેશમાં અમને વર્કઆઉટ કરવાનું શીખવવામાં આવ્યું હતું. એમાં રોજ હું સવારે વૉકિંગ કરતો હતો. હવે હું દિવસમાં આઠ વાર દાદરા ચડ-ઊતર કરું છે. મારું પહેલાં વજન ૯૯ કિલો હતું. હાલમાં મારું વજન ૮૯ કિલો છે. આવતા દિવસોમાં હું હજી વજન ઉતારીશ.’

20

ફિટનેસ પ્રૉગ્રામ માટે પાંચ પોલીસ સ્ટેશનમાંના દરેકમાંથી આટલા પોલીસની પસંદગી કરાઈ હતી

mumbai mumbai news mumbai police mehul jethva