09 November, 2025 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનને ખસીકરણ અને રસીકરણ પછી શેલ્ટર હોમમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે ત્યારે મુંબઈમાં રખડતા શ્વાનોની સંખ્યા અને એની સામે ઉપલબ્ધ ડૉગ-શેલ્ટરની સંખ્યા ચિંતાજનક છે. મુંબઈમાં ૯૦,૦૦૦થી વધુ રખડતા શ્વાન છે અને તેમના શેલ્ટરની સંખ્યા ૮ છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા માટે મુંબઈમાં ડૉગ-શેલ્ટરની સંખ્યા વધારવાની જરૂર છે.
૧૧ વર્ષ પહેલાં BMC દ્વારા શ્વાનની વસ્તીગણતરી મુજબ મુંબઈમાં ૯૫,૭૫૨ રખડતા શ્વાન હતા પરંતુ ૨૦૧૪થી હાથ ધરવામાં આવેલા ઍનિમલ બર્થ કન્ટ્રોલ (ABC) કાર્યક્રમને કારણે હવે આ સંખ્યામાં લગભગ ૫૦૦૦ જેટલો ઘટાડો થયો છે. અત્યારે મુંબઈમાં રખડતા શ્વાનની વસ્તી ૯૦,૬૦૦ હોવાનું BMCના અધિકારીએ જણાવ્યું હતું.
અત્યાર સુધી શ્વાનનું ખસીકરણ કરીને એમને છોડી મુકાતા હતા એથી શેલ્ટર હોમમાં ડૉગ રાખવાની ક્ષમતા ઓછી રાખવામાં આવી હતી. જો હવે જાહેર સ્થળોએથી ખસેડીને શ્વાનને શેલ્ટર હોમમાં રાખવાના હશે તો મુંબઈના ડૉગ-શેલ્ટરની ક્ષમતા વધારવી પડશે. એ ઉપરાંત ડૉગ-હૅન્ડલર અને પશુચિકિત્સકોની નિમણૂક કરવી પડશે. શેલ્ટરની ફરતે યોગ્ય રીતે વાડ કરવાની જરૂર પડશે જેથી કોઈ શ્વાન છટકીને ભાગી ન શકે.
BMCની ગણતરી પ્રમાણે જો મુંબઈમાં ૩૦થી ૪૦ ટકા રખડતા શ્વાનને જાહેર સ્થળોએથી દૂર કરવામાં આવે તો પણ આવા ૪૦,૦૦૦ જેટલા શ્વાનને સમાવવા માટે નવા ડૉગ-શેલ્ટરની જરૂર પડશે.