06 October, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સભામાં હાજર મેદની
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગઈ કાલે થાણેમાં ઘોડબંદર રોડ પરના કાસારવડવલી ખાતેના વાલાવલકર ગ્રાઉન્ડમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક લાખ લોકો હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ચાર વાગ્યાની આ સભામાં સામેલ થવા માટે થાણે, મીરા-ભાઈંદર, ભિવંડી સહિતના વિસ્તારમાંથી લોકો બપોરે એક વાગ્યે તેમના ઘરેથી નીકળ્યા હતા. બપોરના સમયે ૩૩ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું એટલે ૯૮ લોકોને ઑક્ટોબર-હીટના ચટકા લાગ્યા હોવાનું થાણેની સિવિલ હૉસ્પિટલ અને સ્થાનિક સુધરાઈના આરોગ્ય વિભાગે કહ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ બસ-સ્ટૉપથી સભાના સ્થળે લોકોએ એક કિલોમીટર ચાલવું પડ્યું હતું એમાં ગરમીની અસર થઈ હતી. જોકે સભા-પરિસરમાં ૧૦૦ બેડની ઇમર્જન્સી હૉસ્પિટલ ઊભી કરવાની સાથે પ્રાઇવેટ અને સરકારી હૉસ્પિટલમાં ૫૦૦ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા હતા ત્યાં જેમને ગરમીની અસર થઈ હતી તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગરમીને લીધે લોકોને ચક્કર આવ્યાં અને બ્લડ-પ્રેશર ઓછું થઈ ગયું હતું.