ગણપતિની આગમનયાત્રામાં ૧૨ વર્ષના બાળકને ૬ થરના માનવ-પિરામિડ પર ચડાવ્યો

27 August, 2026 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવિંદા પથકના પ્રમુખ અને ટ્રેઇનર સામે ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

પરેલમાં આવેલા એક ગોવિંદા મંડળના પ્રમુખ અને ઇન્સ્ટ્રક્ટર સામે ૧૨ વર્ષના બાળકને ૬ થરના માનવ-પિરામિડના સૌથી ઉપરના થર પર ચડવા દેવા બદલ ભોઈવાડા પોલીસે ફરિયાદ નોંધી છે.
૨૩ ઑગસ્ટે ગણપતિની આગમનયાત્રા દરમ્યાન બનેલી આ ઘટનામાં ભોઈવાડા પોલીસે ત્વરિત હસ્તક્ષેપ કરીને બાળકને સુરક્ષિત નીચે ઉતારી લીધો હતો. ભોઈવાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘આ ઘટના શનિવારે સાંજે સાડાછથી ૭ વાગ્યાની વચ્ચે ડૉ. બી. એ. રોડ પર લક્ષ્મી કૉટેજ બિલ્ડિંગ સામે બની હતી, જ્યાં પરેલચા સમ્રાટ ગણેશમૂર્તિની આગમનયાત્રા નીકળી રહી હતી. ત્યારે પચાસથી ૬૦ લોકોના ગોવિંદા પથકે ૬ થરનો માનવ-પિરામિડ બનાવ્યો હતો. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે સૌથી ઉપરના થર પર ચડેલા નાના બાળકે હેલ્મેટ કે અન્ય કોઈ પણ સેફ્ટી હાર્નેસ પહેર્યાં નહોતાં, જેનાથી તેનો જીવ જોખમમાં મુકાયો હતો. ત્યારે ઘટનાસ્થળે હાજર અમારા અધિકારીઓએ પિરામિડ પરથી બાળકને ઉતારી લીધો હતો. બાદમાં આયોજકોની પૂછપરછ કરતાં બાળકની ઉંમર માત્ર ૧૨ વર્ષ હોવાનું સામે આવ્યું હતું. સરકારી ગાઇડલાઇન્સ મુજબ ૧૪ વર્ષથી નાનાં બાળકો હ્યુમન પિરામિડમાં ભાગ લઈ શકતા નથી એટલે ગોવિંદા પથકના પ્રમુખ મહેશ કાલબાતે અને ટ્રેઈનર સચિન સુર્વેની અટકાયત કરવામાં આવી હતી.’

એક ટનથી ભારે મૂર્તિઓ બાબતે BMCની સ્પષ્ટતા

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બુધવારે સ્પષ્ટતા કરી હતી કે એણે મોટી ગણેશમૂર્તિઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ હાલ પૂરતું ફરજિયાત બનાવ્યું નથી અને સમિતિઓને મૂર્તિના નિર્માણથી લઈને વિતરણ સુધીનો સંપૂર્ણ રેકૉર્ડ જાળવવા જરૂરી કોઈ નિર્દેશ જાહેર કર્યો નથી. ભુલેશ્વરની ઘટના બાદ મોટી મૂર્તિઓની સલામતી, સર્ટિફિકેટ અને ટ્રાન્સપોર્ટ માટે સમર્પિત સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) પર ચર્ચા કરવા એક બેઠક યોજાઈ હતી. એમાં ભારે મૂર્તિઓ વિશે માહિતી બાબતે અને અકસ્માતો અટકાવવા એમની હિલચાલ પર દેખરેખ રાખવાનો પણ સમાવેશ થાય છે. જોકે BMCએ સ્પષ્ટ કર્યું હતું કે આવા કોઈ સર્ટિફિકેટ અથવા રેકૉર્ડકીપિંગ વિશે અત્યારે કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી કે એને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.

mumbai news mumbai parel mumbai police Crime News mumbai crime news