કોસ્ટલ રોડ પર કાર ચલાવતા ૧૭ વર્ષના સગીરે આગળની કારને જોરદાર ટક્કર મારી

04 February, 2026 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક જ પરિવારના ત્રણ સભ્યોને ઈજા; કારના માલિક બિઝનેસમૅન, તેમની પૌત્રી અને કાર ચલાવતા ટીનેજર સામે કેસ

અકસ્માતમાં બન્ને કારને ભારે નુકસાન થયું હતું.

કોસ્ટલ રોડ ટનલમાં સોમવારે વહેલી સવારે મર્સિડીઝ ચલાવતા એક ટીનેજરે બીજી કારને જોરદાર ટક્કર મારતાં એક જ પરિવારના ૩ સભ્યોને ઈજા થઈ હતી. આ બનાવમાં ડી. બી. માર્ગ પોલીસે આગ્રીપાડા વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષના બિઝનેસમૅન, તેમની ૧૮ વર્ષની પૌત્રી અને કાર ચલાવી રહેલા પૌત્રીના ૧૭ વર્ષના ફ્રેન્ડ સામે કેસ નોંધ્યો છે. અકસ્માતગ્રસ્ત કાર બિઝનેસમૅનના નામે છે. બિઝનેસમૅન તેમની પૌત્રી અને તેના ફ્રેન્ડ સાથે કોસ્ટલ રોડના રસ્તેથી ગેટવે ઑફ ઇન્ડિયા જવા નીકળ્યા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ કારનું ટાયર ફાટતાં કાર ચલાવતા ટીનેજરે કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જતી કાર સાથે અકસ્માત થયો હતો. મર્સિડીઝે ટક્કર મારતાં આગળની કારમાં બેઠેલાં સિનિયર સિટિઝન મહિલા સહિત પરિવારના ૩ સભ્યોને ઈજા થઈ હતી. તેમને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

mumbai news mumbai Mumbai Coastal Road road accident mumbai police