પ્રેમમાં પછડાટ બની જીવલેણ?

04 April, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાદરમાં ૨૦ વર્ષની કચ્છી યુવતીએ લગાવી મોતની છલાંગ

ઝૈનાએ દાદર-ઈસ્ટમાં આવેલી આ ટેક્નૉહાઈટ્સ સોસાયટીની ટેરેસ પરથી કૂદકો લગાવ્યો હતો.

પોલીસનું કહેવું છે કે ઝૈના શેઠિયા એકતરફી પ્રેમને લીધે હતાશ હોવાથી મંગળવારે રાત્રે ફ્રેન્ડ્સ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમની સામે ટેરેસ પરથી કૂદકો મારીને જીવ ટૂંકાવ્યો

‍દાદર-ઈસ્ટમાં હિન્દુ કૉલોનીમાં આવેલી ટેક્નૉહાઇટ્સ નામની સોસાયટીની ટેરેસ પરથી પડી જઈને મંગળવારે રાત્રે સાડાદસ વાગ્યે કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજની ૨૦ વર્ષની યુવતી ઝૈના શેઠિયાનું આકસ્મિક મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. ઝૈના જય હિન્દ કૉલેજમાં થર્ડ યરમાં ભણવાની સાથે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું પણ ભણી રહી હતી. માટુંગા પોલીસે ઝૈના શેઠિયાનો આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં ઝૈના એકતરફી પ્રેમમાં હોવાથી છેલ્લા કેટલાક સમયથી હતાશ હોવાનું બહાર આવ્યું છે. 

માટુંગા પોલીસે જણાવ્યું હતું કે ‘૧૪ માળની ટેક્નૉહાઇટ્સ સોસાયટીના આઠમા માળે પરિવાર સાથે રહેતી ઝૈના શેઠિયા ટેરેસ પરથી નીચે પટકાઈ હોવાની માહિતી મંગળવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે મળ્યા બાદ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઊંચાઈથી પડવાને લીધે ઝૈનાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું એટલે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લોકમાન્ય ટિળક હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ટેરેસ પરથી ઝૈના પહેલાં બાજુમાં આવેલા બિલ્ડિંગની બારી સાથે અથડાઈ હતી અને બાદમાં તે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં પડી હોવાનું જણાઈ આવ્યું હતું.’

ભણવામાં હોશિયાર હતી

કચ્છના ભુજપુર ગામના શેઠિયા પરિવારના નજીકના લોકોએ કહ્યું હતું કે ‘ઝૈના જય હિન્દ કૉલેજમાં ડિગ્રીના થર્ડ યરમાં ભણતી હતી. તે ખૂબ હોશિયાર હોવાથી ભણવાને લઈને હતાશામાં હોવાની શક્યતા નથી.’ પ્રૉપર્ટીનું કામ કરતા ઝૈનાના પિતા કેતુ ‌શેઠિયાનો સંપર્ક કરવાની ‘મિડ-ડે’એ કોશિશ કરી હતી, પણ તેઓ નહોતા મળી શક્યા.

અચાનક કૂદકો માર્યો

માટુંગા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦ વર્ષની ઝૈના શેઠિયા એક યુવકના પ્રેમમાં હતી, પણ તે યુવક બીજી કોઈ યુવતીને પ્રેમ કરતો હતો. આથી ઝૈના છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતી. મંગળવારે રાત્રે તેના બે ફ્રેન્ડ ઝૈનાના ઘરે ગયા હતા. ઝૈના તેમને ટેરેસ પર લઈ ગઈ હતી. ફ્રેન્ડ્સ ઝૈનાને સમજાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે અચાનક જ ઝૈનાએ તેમની નજર સામે જ મોતની છલાંગ લગાવી દીધી હતી. ઝૈનાના બન્ને ફ્રેન્ડ્સ આ ઘટનાના સાક્ષી છે એટલે અમે તેમનાં નિવેદનો નોંધ્યાં છે. તેમણે જ ઝૈના એકતરફી પ્રેમમાં હોવાનું અને એને કારણે હતાશમાં હોવાનું જણાવ્યું છે. ઝૈનાના પરિવારે પણ આ મામલામાં બીજી કોઈ શંકા વ્યક્ત નથી કરી. આમ છતાં અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.’

dadar mumbai mumbai crime news gujarati community news gujaratis of mumbai kutchi community suicide