પહેલા પગારનું પ્લાનિંગ જેમનું તેમ રહી ગયું

27 February, 2026 07:03 AM IST  |  Mumbai | Varsha Chitaliya

નોકરીએ લાગ્યાને એક મહિનો પણ નહોતો થયો ત્યાં ભાઈંદરની ​વિધિ વોરા લોકલ ટ્રેનમાંથી પડીને જીવ ગુમાવી બેઠી: બ્રેઇન-સ્ટ્રોકની સારવાર ચાલતી હોવાથી તેના પપ્પાને જણાવ્યું નથી કે પરિવારનો આર્થિક આધારસ્તંભ ચાલ્યો ગયો છે, મમ્મી રસોઈ બનાવવાનું કામ કરે છે

જીવ ગુમાવનાર વિધિ વોરા. મમ્મી-પપ્પા મમતા અતુલ વોરા અને બહેન કોમલ સાથે વિધિ (એકદમ ડાબે).

હજી ૨૭ જાન્યુઆરીએ ગોરેગામમાં ઇન્ટીરિયર ડિઝાઇનરની ઑફિસમાં નોકરીએ લાગેલી ભાઈંદરની ૨૧ વર્ષની આશાસ્પદ યુવતી વિધિ વોરાએ લોકલ ટ્રેનમાંથી પડીને જીવ ગુમાવતાં પરિવારનો આર્થિક ટેકો છીનવાઈ ગયો છે. તેની મમ્મી આઘાતમાં છે અને પપ્પાને તો ખબર જ નથી કે તેમની લાડકી દીકરી લોકલની ભીડમાં કાળનો કોળિયો બની ગઈ છે. 

વિધિ ૨૪ ફેબ્રુઆરીએ સાંજે ૭.૧૦ વાગ્યાની આસપાસ ઘરે પાછી ફરતી વખતે ગોરેગામ અને મલાડની વચ્ચે ટ્રેનમાંથી પડી ગઈ હોવાની નોંધ બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનમાં થઈ છે.

વિધિનાં મમ્મી મમતાબહેને રડતાં-રડતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૪ ફેબ્રુઆરીએ સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ વિધિના મોબાઇલ પરથી ફોન આવ્યો. સામે પુરુષનો અવાજ સાંભળીને પહેલાં તો થયું કે મોબાઇલ ચોરાઈ ગયો કે શું? પછી પોલીસે કહ્યું કે તમારી દીકરી પડી ગઈ છે અને ઈજા થઈ હોવાથી સારવાર માટે કાદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જઈએ છીએ, તમે ત્યાં આવી જાઓ. હું એકદમ ગભરાઈ ગઈ. મારાં મમ્મીને લઈને હું ભાઈંદરથી નીકળી. કાંદિવલીમાં રહેતાં બહેન-બનેવીને પણ બોલાવ્યાં. તે મારી દીકરી નહીં, દીકરો હતી. હું રસોઈ બનાવવા જાઉં છું અને તેના પપ્પા એસ્ટેટ એજન્ટનું કામ કરતા હતા. આર્થિક ટેકો આપવા ૧૮ વર્ષની ઉંમરથી તે ટ્યુશન કરતી હતી અને સારી નોકરી મળતાં બહુ ખુશ હતી. પહેલો પગાર આવે એમાંથી શું કરવું છે એનું પ્લાનિંગ પણ તેણે કર્યું હતું. તેનાં ઘણાં સપનાં હતાં. તે પપ્પાની સારવારની પણ ચિંતા કરતી. તેની સાથે શું થયું એ અમે સમજી નથી શકતા. તેની બૅગમાં ટિફિન અને લૅપટૉપ હતું. વજનને કારણે તેનો હાથ છટકી ગયો કે કોઈકનો ધક્કો લાગ્યો? લોકલ ટ્રેનની ભીડે મારી જુવાન દીકરીનો જીવ લઈ લીધો.’

‘મિડ-ડે’ સાથે વાત કરતાં વિધિના ફુઆ શશિકાંત પારેખે કહ્યું હતું કે ‘ગોરેગામથી વિરારની સ્લો ટ્રેન મર્યાદિત હોય છે એટલે સાંજના સમયે ભીડ વધુ હોય એ સમજી શકાય, પણ પડી કઈ રીતે ગઈ એ સમજાતું નથી. ધક્કામુક્કી થઈ હશે એવું અનુમાન લગાવીએ છીએ. તેના પપ્પા અતુલભાઈને થોડા સમય અગાઉ બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો. તેઓ અર્ધબેભાન અવસ્થામાં છે. ડૉક્ટરે બચવાના ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ હોવાનું કહ્યું છે. તેમની તબિયત નાજુક છે અને તે ભાનમાં નથી. ઘણી વાર મળવા આવતા લોકોને ઓળખતા પણ નથી. આથી અમે તેમને કંઈ જણાવ્યું નથી. આ ચિંતા હતી એમાં વિધિનો જીવ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.’ 

મમ્મીનો સવાલ: લોકલની ભીડ ઓછી થાય એવાં પગલાં કેમ નથી લેવાતાં?

વિધિનો પરિવાર ભાઈંદરમાં કપોળ નિવાસમાં રહેતો હતો. આ ઇમારત પડી ગયા બાદ તેઓ ભાડાના ઘરમાં રહે છે. અતુલભાઈને છઠ્ઠી જાન્યુઆરીએ બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો. કપોળ સમાજની મદદથી ભાઈંદરની સેકન્ડ લાઇફ હૉસ્પિટલમાં સારવાર ચાલે છે. વધારાના ખર્ચને પહોંચી વળવા અને ઘર ચલાવવા મા-દીકરી ખૂબ મહેનત કરતાં હતાં. વિધિની મોટી બહેન કોમલ પરણેલી છે. અચાનક બનેલી ઘટનાથી મધ્મયવર્ગીય પરિવાર વિખેરાઈ ગયો છે. મમતાબહેન એકલાં પડી ગયાં છે. તેઓ વારંવાર પૂછી રહ્યાં છે કે લોકલની ભીડ ઓછી થાય એવાં પગલાં કેમ નથી લેવાતાં? હવે ઘર કેમ ચાલશે? ભાડું ક્યાંથી ભરાશે? સગાંસંબંધીઓ પાસે આ પ્રશ્નોનો કોઈ જવાબ નથી.

- વર્ષા ચિતલિયા

mumbai news mumbai mumbai local train gujarati community news gujaratis of mumbai malad kandivli bhayander mumbai police