11 October, 2026 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાપીમાં ૨૭ વર્ષનાં જૈન સાધ્વીજી શ્રી કેવળદર્શી રેખાશ્રીજી મહારાજ
વાપીમાં ૨૭ વર્ષનાં જૈન સાધ્વીજી શ્રી કેવળદર્શી રેખાશ્રીજી મહારાજ બુધવારે ૭ ઑક્ટોબરે બપોરે ૧૨.3૦ વાગ્યાની આસપાસ પંચલબ્ધિ અપાર્ટમેન્ટમાં ગોચરી વહોરવા ગયાં હતાં. તેઓ ગોચરી વહોરીને પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે દસમા માળના દાદરા પર ઢોળાયેલા પાણીમાં લપસી ગયાં હતાં. દાદરાનો કઠેડો નીચો હોવાથી સાધ્વીજી સીધાં ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયાં હતાં. એને લીધે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. એક કલાક સુધી આ બનાવની કોઈને ખબર ન પડવાથી સાધ્વીજી ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યાં હતાં.
આ બાબતની માહિતી આપતાં વાપી શ્વેતાંબર જૈન સંઘના ટ્રસ્ટી દિનેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દર્દનાક ઘટના બની ત્યારે હું મુંબઈમાં હતો. મને આ ઘટનાની માહિતી બે કલાક પછી મળી હતી. મળેલી માહિતી મુજબ સોસાયટીના વૉચમૅનને એક કલાક પછી સાધ્વીજીનો પાર્થિવ દેહ જોવા મળ્યો હતો. સોસાયટીના પુરુષો બધા કામે જતા રહ્યા હોવાથી વૉચમૅન તરફથી ફોન કરીને ઘટનાની જાણકારી આપવામાં આવી હતી.’
બીજી બાજુ સાધ્વીજી ગોચરી લઈને ઉપાશ્રયમાં પાછાં ન ફરતાં તેમનાં ગુરુમાતાએ અન્ય સાધ્વીજી ભગવંતોને તપાસ માટે મોકલ્યાં હતાં. ત્યાર બાદ આ ઘટનાની જાણ થઈ હતી. અપાર્ટમેન્ટમાં મોટા ભાગના લોકો અવરજવર માટે લિફ્ટનો ઉપયોગ કરતા હોવાથી ઘટનાની જાણ તાત્કાલિક થઈ શકી નહોતી. પોલીસે સોસાયટીનાં CCTV કૅમેરાનાં ફુટેજ હસ્તગત કરીને આ બનાવની તપાસ શરૂ કરી છે.
મુંબઈમાં જન્મ, ૨૦૨૧માં લીધી હતી દીક્ષા
બાવીસ વર્ષની ઉંમરે દીક્ષા લેનારાં સાધ્વીજી શ્રી કેવળદર્શી રેખાશ્રીજી મહારાજનું સંસારી નામ આષી મહેતા હતું. તેમનો જન્મ ૧૯૯૯ની ૨૩ ડિસેમ્બરે મુંબઈમાં થયો હતો. તેમનું વતન રાજસ્થાનના પિંડવાડા ખાતે છે. તેમના પિતા કુમારપાલ મહેતા અને માતા રાખી મહેતા છે. તેમણે ફૅશન-ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે ૨૦૨૧ની ૨૫ એપ્રિલે સુરતમાં પરમપૂજ્ય આચાર્ય શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યાર બાદ ૨૦૨૧ની ૨૦ મેએ મોટી દીક્ષા લીધી હતી. તેઓ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી શ્રુતાર્થી રેખાશ્રીજી મહારાજના માર્ગદર્શન હેઠળ સાધ્વીજી જીવનનું પાલન કરતાં હતાં.
માત્ર ૨૭ વર્ષની વયે સાધ્વીજીના કાળધર્મના સમાચારથી જૈન સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. શ્રદ્ધાળુઓએ પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની વંદના અર્પી છે.