20 October, 2026 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃત્યુ પામેલો મીત રૂપડા.
મીરા રોડમાં નવરાત્રિ મહોત્સવ દરમ્યાન ગરબા અને દાંડિયા રમતી વખતે એક દુઃખદ ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે દાંડિયા રમી રહેલો ૩૦ વર્ષનો યુવક મીત રૂપડા અચાનક હાર્ટ-અટૅક આવવાથી મૃત્યુ પામ્યો હતો. આ બનાવથી મૃત્યુ પામેલા યુવાનના પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃત્યુ પામેલો યુવાન મીત ભાઈંદર-વેસ્ટની શિવસેના ગલીમાં પૂનમ અપાર્ટમેન્ટમાં માતા-પિતા સાથે રહેતો હતો અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.
મીત રવિવારે રાતે મીરા રોડમાં યોજાયેલા લોટસ નવરાત્રિ ફેસ્ટિવલમાં દાંડિયા રમવા ગયો હતો. રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ તે ઉત્સાહભેર દાંડિયા રમી રહ્યો હતો ત્યારે અચાનક તેને છાતીમાં તીવ્ર દુખાવો ઊપડ્યો હતો અને તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો. ગરબાના આનંદના માહોલ વચ્ચે અચાનક બનેલી આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પરિવાર અને આસપાસના લોકો તાત્કાલિક તેને સારવાર માટે ભાઈંદરની તુંગા હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.
ભાઈંદર પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે મીતનું મૃત્યુ કાર્ડિઍક અરેસ્ટને કારણે થયું છે. મીતના ભાઈએ જણાવ્યું હતું કે મીત શારીરિક રીતે એકદમ સ્વસ્થ હતો અને તેને અગાઉથી કોઈ ગંભીર બીમારી કે સ્વાસ્થ્ય-સંબંધી સમસ્યા નહોતી. અચાનક સ્વસ્થ યુવકના આ પ્રકારે થયેલા આકસ્મિક અવસાનથી પરિવારજનો ભારે આઘાતમાં સરી પડ્યા છે.