18 April, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍક્ટિવા સ્કિડ થતાં રોડ પટ પટકાયેલા જિગર ગાલાનું ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું.
પ્રભાદેવીમાં રહેતો ૪૦ વર્ષનો યુવાન કાકાના દીકરા સાથે ગઈ કાલે સવારે નીકળ્યો હતો, પણ અકસ્માતમાં અકાળ મૃત્યુ પામતાં તેના પરિવાર પર શોક પ્રસરી ગયો હતો. પ્રભાદેવીમાં આવેલી ગેમન ઇન્ડિયા કંપની સામે આવેલા ભીખુ બિલ્ડિંગમાં ૪૦ વર્ષના જિગર ગાલાનો પરિવાર રહે છે. મૂળ લાકડિયાના વાગડ વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના જિગરના અકસ્માત્ થયેલા મૃત્યુ બદલ માહિતી આપતાં તેના પિતાના મોટા ભાઈ શામજી ગાલાએ કહ્યું હતું કે ‘મારા ભાઈનો પરિવાર વર્ષોથી અહીં રહે છે. તેઓ ઉપર રહે છે અને એ જ બિલ્ડિંગમાં નીચે તેમની સ્ટેશનરી અને ઝેરોક્સની દુકાન છે. રીટેલ કાઉન્ટર પણ ખરું અને આજુબાજુની કંપનીઓમાં સ્ટેશનરી સપ્લાય કરાવવાનું કામકાજ પણ છે. જિગર તેમને ધંધામાં હેલ્પ કરતો હતો અને પોતાનું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા-ફિટિંગનું કામ પણ કરતો હતો. જિગરનાં લગ્ન થઈ ગયાં હતાં અને તેની નાની બહેન પણ પરણીને સાસરે છે. જિગરને બાળક નહોતું. ગઈ કાલે જિગર મારા બીજા ભાઈ વેલજીભાઈના દીકરા ભાવિન સાથે કોઈક કામસર વહેલી સવારે ૬.૧૫ વાગ્યે નીકળ્યો હતો. ભાવિન ઍક્ટિવા ચલાવી રહ્યો હતો અને જિગર પાછળ બેઠો હતો. તેઓ પરેલ જઈ રહ્યા હતા એ વખતે તેઓ વેસ્ટથી ઈસ્ટમાં જવા એલ્ફિન્સ્ટન બ્રિજ ચડે એ પહેલાં જ ખાડા કે અન્ય કોઈક કારણસર તેમની ઍક્ટિવા સ્કિડ થતાં તેઓ રસ્તા પર પટકાયા હતા. ભાવિનને ગંભીર ઈજા નહોતી થઈ, પણ પાછળ બેસેલો જિગર રસ્તા પર પટકાતાં તેને માથામાં ગંભીર ઈજા થઇ હતી. તેને તરત કિંગ એડ્વર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને બ્રેઇન-હૅમરેજ થયું હોવાથી મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. તેનું અવસાન થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.’