મીરા રોડના ફ્લૅટમાં હાઉસહેલ્પની હત્યા

27 March, 2026 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોજના સમયે કામ કરવા ફ્લૅટમાં આવેલી મહિલાનો લોહીમાં લથબથ મૃતદેહ મળી આવ્યો

પ્રતીકાત્મક તસવીર

મીરા રોડમાં એક ફ્લૅટમાં ૪૦ વર્ષની એક હાઉસહેલ્પ મહિલા બુધવારે સાંજે મૃત હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આ મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. 

મીરા રોડમાં આવેલી ચંદ્રેશ અકૉર્ડ હાઉસિંગ સોસાયટીના ફ્લૅટમાં બે પુરુષો રહેતા હતા. એ ફ્લૅટમાં એક મહિલા લોહીથી લથબથ હાલતમાં મળી આવી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ મહિલા આ ફ્લૅટમાં હાઉસહેલ્પ તરીકે કામ કરતી હતી અને તેની પાસે તથા ફ્લૅટમાં રહેતા બન્ને પુરુષો પાસે ઘરની ચાવીઓ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મહિલાનું મૃત્યુ થયું એ દિવસે તે રોજના સમયે જ કામ કરવા આવી હતી. ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં કોઈ અજાણી વ્યક્તિ ફ્લૅટમાં જતી દેખાઈ હતી. ત્યાર બાદ આ મહિલા પર ચપ્પુથી હુમલો થયો હોવાની પોલીસને શંકા છે. તેના પેટમાં બે તથા છાતીમાં અને ગળામાં એક-એક ઘા દેખાયા હતા.

હત્યા પાછળનો હેતુ હજી સુધી જાણી શકાયો નથી. પોલીસે ઘટનાક્રમ જાણવા માટે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને આ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ સાથે પાડોશીઓ અને સોસાયટીના અન્ય રહેવાસીઓનાં નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

mumbai news mumbai mira road murder case Crime News mumbai crime news mumbai police