15 March, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટમાં રહેતાં ૬૨ વર્ષનાં ગુજરાતી મહિલા ડૉક્ટર સાથે ૨૫ વર્ષના ટૂર-પૅકેજની લાલચ આપીને ૨.૮૫ લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ ગઈ કાલે પાર્કસાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર અસલ્ફા વિલેજમાં હૉસ્પિટલ ધરાવતાં આ ડૉક્ટરને ‘વર્લ્ડ એન્ડલેસ વેકેશન’ નામની કંપનીનો માલિક હોવાનો દાવો કરી અર્પિત શ્રીવાસ્તવે ટૂર-પૅકેજ માટે પૈસા પડાવી લીધા હતા. બાદમાં કોઈ યોગ્ય માહિતી ન મળતાં અને સંપર્ક ન થતાં ડૉક્ટરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પાર્કસાઇટ પોલીસે આરોપી વિશેની વિગતો એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાર્કસાઇટ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાન્યુઆરી મહિનામાં મહિલા ડૉક્ટરને ‘વર્લ્ડ એન્ડલેસ વેકેશન’ નામની કંપની વિશે માહિતી મળી હતી. કંપની દ્વારા ૨૫ વર્ષ માટે દર વર્ષે એક વખત ૭ દિવસ અને ૬ રાતની નૅશનલ અથવા ઇન્ટરનૅશનલ ટ્રિપ આપવાનું પૅકેજ ૨.૮૫ લાખ રૂપિયામાં ઑફર કરવામાં આવ્યું હતું. ઓછા ખર્ચે મોટું ટૂર-પૅકેજ મળતું હોવાનું જોઈને મહિલા ડૉક્ટરે આરોપી અર્પિત શ્રીવાસ્તવના ખાતામાં ૨.૮૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં ડૉક્ટરની બહેન જપાન જવાની હોવાથી તેમણે પણ જપાન જવાનો વિચાર કર્યો અને અર્પિતનો સંપર્ક કરી બુકિંગ કરાવ્યું હતું. આરોપીએ જપાનની બે હોટેલમાં બુકિંગ કર્યાની માહિતી મોકલી હતી, પરંતુ જ્યારે ડૉક્ટરે હોટેલમાં તપાસ કરી ત્યારે કોઈ બુકિંગ ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ અર્પિતને વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો. અંતે પોતે છેતરપિંડીનો ભોગ બન્યાનું સમજાતાં પીડિત મહિલાએ અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી.’