13 January, 2026 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર અજાણી યુવતીઓ સાથે મિત્રતા કરવાનો અને વાતો કરવાનો મોહ કેટલો ભારે પડી શકે છે એનો એક ચોંકાવનારો કિસ્સો નવી મુંબઈના સીવુડ્સ વિસ્તારમાંથી સામે આવ્યો છે. ૬૫ વર્ષના નિવૃત્ત સિનિયર સિટિઝને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ત્રણ અલગ-અલગ યુવતીઓ સાથે મિત્રતા કરવાના ચક્કરમાં કુલ ૨૫,૧૮,૦૬૭ રૂપિયા ગુમાવ્યા હતા. આ મામલે NRI સાગરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સિનિયર સિટિઝન એક જાણીતી કંપનીમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર છે. સમય પસાર કરવા માટે તેઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. એ દરમ્યાન ટીનેજ છોકરીઓના ફોટો જોઈને તેઓ આકર્ષાયા હતા અને સામેથી ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલી હતી. આ ઑનલાઇન મિત્રતાનો લાભ ઉઠાવીને ગઠિયાઓએ ચારથી ૩૧ ડિસેમ્બર દરમ્યાન પૈસા પડાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શું હતો ઘટનાક્રમ?
સીવુડ્સ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન ચોથી ડિસેમ્બરે બપોરે ફેસબુક સ્ક્રોલ કરી રહ્યા હતા ત્યારે સંધ્યારાની નામના અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલો એક યુવતીનો ફોટો તેમની નજરે પડ્યો. તેમણે સંધ્યારાનીને ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલી જે તાત્કાલિક સ્વીકારવામાં આવી.
સંધ્યારાની સાથે વાત કરવાની શરૂઆત કરતાં તેણે પોતાની ઓળખ ફૅશન-ડિઝાઇનર તરીકે આપીને પુણેમાં પોતાનો વ્યવસાય હોવાની માહિતી આપી.
સતત બેથી ત્રણ દિવસ વાત કર્યા બાદ સંધ્યાએ સિનિયર સિટિઝનને વ્યવસાય માટે ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે એમ કહીને ઇન્વેસ્ટમેન્ટ પાછળ પંદરથી ૨૦ ટકા પ્રૉફિટની લાલચ આપી.
સિનિયર સિટિઝને સંધ્યા સાથે વાત કરવાના મોહમાં ૪,૪૯,૯૦૭ રૂપિયા મોકલ્યા. આ રકમ પાછળ પંદરથી ૨૦ ટકા પ્રૉફિટ આપવાનો વાયદો કરવામાં આવ્યો.
એવી જ રીતે સિનિયર સિટિઝને ૧૧ ડિસેમ્બરે કાવ્યા પટેલને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલીને તેની સાથે વાત કરવાના મોહમાં ૧૨,૭૫,૧૬૦ રૂપિયા ગુમાવ્યા. કાવ્યાએ પોતાની ઓળખ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજર તરીકે આપીને સિનિયર સિટિઝનને ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું.
સુસ્મિતા ગુપ્તાને ફેસબુક પર સિનિયર સિટિઝને ૧૮ ડિસેમ્બરે ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલી. ત્યાર બાદ ત્રણથી ચાર દિવસ વાત કર્યા બાદ સુસ્મિતાએ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટના નામે ૭,૯૩,૦૦૦ રૂપિયા લીધા.
દરમ્યાન, તાજેતરમાં સિનિયર સિટિઝન સાથે ત્રણે ટીનેજરોએ વાત કરવાનું બંધ કરી દીધું. સિનિયર સિટિઝને ટીનેજરોને પોતાના પૈસા પાછા મોકલવા કહ્યું ત્યારે ત્રણેયના નંબર બંધ આવતાં છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો.