07 August, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફેરિયાઓ વચ્ચે થઈ રહેલું ધિંગાણું.
ગોરેગામ-વેસ્ટના મોતીલાલનગરના લોકશાહીર અણ્ણાભાઉ સાઠે ચોક પાસે ફેરિયાઓનાં બે જૂથ વચ્ચે બુધવારે સાંજે જોરદાર મારામારી થઈ હતી. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા જે ફેરિયાઓને લાઇસન્સ આપવામાં આવ્યાં છે અને કાયદેસર રીતે ધંધો કરે છે તેમની અને ગેરકાયદે બેસતા ફેરિયાઓ વચ્ચે આ ધિંગાણું થયું હતું જે લગભગ ૪૫ મિનિટ સુધી ચાલ્યું હતું.
મળેલી માહિતી મુજબ અહીં ફેરિયાઓમાં બે જૂથ વચ્ચે સંઘર્ષ ચાલતો આવે છે. એક જૂથનું નામ છે લલ્કુ ગ્રુપ અને બીજાનું નામ છે બિલગુલ ગ્રુપ. આ બન્ને વચ્ચે અંટસ હોવાથી તેમની વચ્ચે સતત ચકમક ઝરતી હોય છે.
જોકે આવી સતત બનતી ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાય છે અને તેમને પોતાની સુરક્ષાની ચિંતા હોવાથી આ પ્રકારની ઘટનાઓ ન બને એ માટે પોલીસ-પ્રશાસન પગલાં લે એવી ભાવના છે. ગેરકાયદે ફેરિયાઓ પર કાર્યવાહી ન થતી હોવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનો રોષ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.
આ પહેલાં પણ ગોરેગામમાં થયો છે ફેરિયાઓ વચ્ચે લોહિયાળ જંગ
૨૦૨૫ના નવેમ્બરમાં ગોરેગામ-વેસ્ટમાં ફેરિયાઓનાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં એક જણનો ગોળીબારમાં જીવ ગયો હોવાની ઘટના બની હતી. આ મામલે પોલીસે ૩ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી અને તેમની ધરપકડ પણ કરી હતી.