18 December, 2025 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સૉફ્ટ ડ્રિન્કમાં નશીલી દવા પીવડાવીને ટીનેજર છોકરીઓ પર જાતીય હુમલો કરનાર રીઢા ગુનેગારને પોલીસે પકડી પાડ્યો છે. અત્યાર સુધીમાં ૧૦ ટીનેજરને નિશાન બનાવીને તેમના અશ્લીલ વિડિયો રેકૉર્ડ કરીને બ્લૅકમેઇલ કરનાર મહેશ પવાર નામના આરોપી સામે ફરિયાદ નોંધાયાના ૬ કલાકમાં કુરાર પોલીસે કાર્યવાહી કરીને વિરારથી તેની ધરપકડ કરી હતી.
કુરાર પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીએ અપંગ વ્યક્તિઓ માટે બનાવાયેલા વૉટ્સઍપ ગ્રુપમાં કોઈ યુવતી પર બળાત્કાર કરતો હોવાનો વિડિયો શૅર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ ચોક્કસ કેસમાં પીડિતા પણ દિવ્યાંગ હતી. ત્યાર બાદ પોલીસ-ફરિયાદ થતાં પોલીસે આરોપીની બાતમી મેળવીને તેને વિરારથી પકડ્યો હતો. તપાસમાં જણાયું હતું કે આરોપી ટીનેજર છોકરીઓને નશો કરાવીને તેમનું જાતીય શોષણ કરતો અને પછી તેમના વાંધાજનક વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લૅકમેઇલ કરતો હતો. આરોપીએ અત્યાર સુધીમાં આઠથી ૧૦ ટીનેજર છોકરીઓ સાથે ગુનો આચર્યો છે. આરોપીએ વાકોલા પોલીસ-સ્ટેશનના અધિકારક્ષેત્રમાં પણ આવા ગુના કર્યા હોવાની જાણ થતાં કુરાર પોલીસે વધુ તપાસ માટે આરોપીને વાકોલા પોલીસને સોંપ્યો છે.