✕

આરે કૉલોનીના એક અવાવરુ મકાનમાં મરેલો દીપડો મળી આવ્યો

13 November, 2026 07:26 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

ચારથી ૬ વર્ષના દીપડાનું મૃત્યુ બીજા દીપડા સાથે લડાઈમાં થયું હોવાની શંકા

ફાઇલ તસવીર

આરે કૉલોનીમાંથી ગુરુવારે એક અવાવરુ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર એક પુખ્ત નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. થાણે ફૉરેસ્ટના રીજનલ ડિપાર્ટમેન્ટના ઑફિસરોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે નજીકમાં રહેતા કેટલાક કામદારોએ દીપડાને બેભાન અવસ્થામાં પડેલો જોયો અને અમને જાણ કરી હતી. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્યારે દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન માટે વૉલન્ટિયર્સ તરીકે કામ કરતા લોકોની એક ટીમે ઘટનાસ્થળે પહોંચીને બેઝિક તપાસ કરી હતી. ટીમે તપાસ કરી ત્યારે દીપડો હલનચલન કરતો નહોતો. નજીકથી તપાસ કરતાં જાણવા મળ્યું કે એ મૃત હતો. અંદાજે ચારથી ૬ વર્ષનો હોવાનું જણાયું હતું. ઘટનાસ્થળે પ્રાથમિક તપાસ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સંજય ગાંધી નૅશનલ પાર્ક લઈ જવામાં આવ્યો હતો. આ મામલે વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી ચાલી રહી છે.

પગ પર ઈજાનાં નિશાન
વનવિભાગનાં સૂત્રોએ આ અખબારને જણાવ્યું કે દીપડાના પાછલા પગ પર ઈજાનાં નિશાન હતાં. પ્રાઇમરી ઇન્સ્પેક્શન સૂચવે છે કે એ વિસ્તારમાં અન્ય કોઈ મજબૂત નર દીપડા સાથે ટેરિટરી માટેની લડાઈમાં સામેલ હોઈ શકે છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમૉર્ટમ તપાસ બાદ જ જાણી શકાશે. 

mumbai news mumbai aarey colony wildlife