ઝટપટ પૈસા બનાવવા જતાં ગુજરાતી વ્યક્તિને જેલમાં જવાનો વારો આવ્યો

14 September, 2024 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ATMમાં પૈસા જમા કરનાર એજન્સીના કર્મચારીને છેતરનારી ગૅન્ગ પકડાઈ એમાં શૅરબજારમાં ટ્રેડિંગ કરતો દર્શન યાજ્ઞિક પણ સામેલ હતો

પ્રતીકાત્મક તસવીર

ખારના ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માં પૈસા ડિપોઝિટ કરતી એજન્સીના માણસને છેતરીને પાંચ લાખ રૂપિયાની કૅશ પડાવી જનારી ગૅન્ગને ખાર પોલીસે ઝડપી તપાસ કરીને પાંચ જ દિવસમાં પકડી લીધી છે. એમાં સાંતાક્રુઝમાં રહેતા અને શૅરબજારમાં નાનું-મોટું ટ્રેડિંગ કરતા દર્શન યા​​િજ્ઞકનો પણ સમાવેશ છે. જોકે તેની સામે આ સિવાય બીજો કોઈ કેસ નથી.
 

આ કેસ વિશે માહિતી આપતાં ખાર પોલીસે જણાવ્યું હતું કે ‘૮ સપ્ટેમ્બરે ખારના ૧૬મા રસ્તા પર આવેલી કૅનેરા બૅન્કના ATMમાં પૈસા ડિપોઝિટ કરવા ગયેલા બૅન્કની એજન્સીના કર્મચારીને ગઠિયાઓની આ ગૅન્ગે આંતર્યો હતો. આરોપીઓ સફેદ રંગની કાર અને બાઇક પર આવ્યા હતા. આરોપીઓએ તેને કહ્યું કે અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ અને તને તપાસ માટે ઑફિ​સે લઈ જવાનો છે. આમ કહીને તેમણે તેને તેમની સફેદ રંગની કારમાં બેસાડી દીધો હતો. પછી તેના હાથમાંની બૅગ લઈ એ ખોલીને જોતાં એમાં કૅશ (પાંચ લાખ રૂપિયા) હોવાનું જણાતાં પૂછ્યું કે આટલી કૅશ ક્યાંથી લાવ્યો? એમ કહીને એ બૅગ તેમણે પોતાની પાસે રાખી લીધી હતી. એ પછી તેને થોડી વાર અહીંતહીં ફેરવીને એક જગ્યાએ ઉતારી દીધો હતો. તેમણે તેને એમ કહ્યું કે અમારે બીજા આરોપીઓને પકડવા છે. એટલે તરત જ તેને ઉતારીને એ લોકો નાસી ગયા હતા. ત્યાર બાદ આ સંદર્ભે ખાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.’

ખાર પોલીસે ત્યાર બાદ તપાસ કરીને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ ચેક કરતાં ગૅન્ગનો ૫૧ વર્ષનો મુખ્ય સૂત્રધાર સંદેશ માલાડકર ઓળખાઈ ગયો હતો. તેના ૪૬ વર્ષના સાગરીત પ્રફુલ મોરેને પણ ઓળખી કઢાયો હતો. બન્ને રીઢા ગુનેગાર છે અને તેમની સામે આ પહેલાં પણ ગુનો નોંધાયેલો છે. ખાર પોલીસે ત્યાર બાદ સંદેશને તેના સિંધુદુર્ગના ગામમાંથી ઝડપી લીધો હતો અને એ પછી અન્ય આરોપીઓને ઝડપી લેવાયા હતા.

ખાર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજીવ ધુમાળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંદેશ અને પ્રફુલ મેઇન આરોપી છે, જ્યારે બીજાઓએ તેમને એ છેતરપિંડી કરીને પૈસા પડાવવામાં મદદ કરી હતી. કોઈએ ફરિયાદીને કારમાં બેસાડ્યો હતો અને તેને સવાલો કર્યા હતા, જ્યારે કોઈએ કાર ડ્રાઇવ કરી હતી. એ કાર પણ તેમણે રેન્ટ પર લીધી હતી. સંદેશ અને પ્રફુલ સિવાયના આરોપીઓ વિકાસ સુર્વે, ચેતન ગૌડા અને દર્શન યા​િજ્ઞક સામે આ પહેલાં કોઈ ગુના નોંધાયેલા નથી. દર્શન સાંતાક્રુઝની પ્રભાત કૉલોનીમાં રહે છે અને પરિણીત છે. તે શૅરબજારમાં નાનું-મોટું ટ્રેડિંગ કરતો હતો, પણ ઝટપટ પૈસા બનાવવા ગૅન્ગમાં જોડાયો હતો અને હવે તે પણ પકડાઈ ગયો છે. અમે આરોપીઓને ઝડપીને તેમની પાસેથી એ રકમમાંથી ૩.૩૦ લાખ રૂપિયા પાછા મેળવ્યા છે અને ગુનામાં વપરાયેલી બાઇક પણ જપ્ત કરી છે. આરોપીઓને કોર્ટમાં હાજર કરતાં તેમને ૧૮ સપ્ટેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.’

khar mumbai news mumbai mumbai police Crime News mumbai crime news