મુલુંડમાં ગૅસ-સિલિન્ડર ફાટ્યું

19 August, 2026 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે મહિલા દાઝી ગઈ, મોડી રાત્રે લાગેલી આગ પર ગઈ કાલે સવારે કાબૂ મેળવવામાં આવ્યો

LIC કૉલોનીમાં શિવકૃપા બિલ્ડિંગમાં લાગેલી આગ.

મુલુંડ-ઈસ્ટમાં મીઠાઘર રોડ પર આવેલી LIC કૉલોનીમાં શિવકૃપા નામના ૩ માળના બિલ્ડિંગની એક રૂમમાં સોમવારે મોડી રાત્રે ગૅસનું સિલિન્ડર ધડાકાભેર ફાટ્યું હતું. આ ઘટનામાં બે મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની ફાયરબ્રિગેડને સોમવારે રાત્રે ૧૦ વાગ્યે જાણ કરવામાં આવતાં ફાયર-ફાઇટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે બિલ્ડિંગમાં રહેતા ૧૪ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહમત બાદ ગઈ કાલે વહેલી સવારે ૪.૧૦ વાગ્યે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઘટના બાદ તરત જ બન્ને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નજીકની BMC સંચાલિત વીર સાવરકર હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

વીર સાવરકર હૉસ્પિટલના અધિકારીઓના જણાવ્યા મુજબ પચાસ વર્ષનાં લતિકા મ્હાત્રે આશરે પચીસ ટકા જેટલાં દાઝી ગયાં હોવાથી તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને વધુ વિશેષ સારવાર માટે ઐરોલીની બર્ન્સ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત ૧૮ વર્ષની ગાર્ગી મ્હાત્રેને સામાન્ય ઈજાઓ થઈ હોવાથી તેની હાલત સ્થિર છે અને તે હાલ વીર સાવરકર હૉસ્પિટલમાં જ સારવાર હેઠળ છે.

mumbai news mumbai mulund mumbai fire brigade fire incident