પુણેમાં મર્સિડીઝ બેન્ઝના પ્લાન્ટમાં બે દિવસથી છુપાઈને બેઠેલો દીપડો આખરે પાંજરે પુરાયો

13 May, 2026 12:58 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

દીપડાને હવે સુરક્ષિત રીતે એના કુદરતી આવાસમાં અથવા રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ સફળ ઑપરેશન બાદ આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વ્યાપેલા તનાવનો અંત આવ્યો છે

પુણેના ચાકણ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં મર્સિડીઝ બેન્ઝના અત્યાધુનિક મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટમાં ઘૂસી આવેલા દીપડાને બે દિવસના લાંબા ઑપરેશન બાદ સોમવારે મોડી રાત્રે વનવિભાગે સફળતાપૂર્વક પકડી પાડ્યો હતો. શનિવારે સવારે દીપડો શિકારની શોધમાં પ્લાન્ટના કૅમ્પસમાં ઘૂસ્યો હોવાનું CCTV કૅમેરાના ફુટેજમાં દેખાયું હતું. ત્યાર બાદ એ ફૅક્ટરીના એરિયામાં છુપાઈ ગયો હતો. કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપની મૅનેજમેન્ટે બે દિવસ સુધી ઉત્પાદન-પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. પ્લાન્ટનો વિસ્તાર ઘણો મોટો હોવાથી દીપડાને શોધવો વનવિભાગ માટે પડકારજનક બન્યો હતો, પરંતુ આખરે દીપડો વનવિભાગે ગોઠવેલા પાંજરામાં ફસાઈ જતાં કંપનીના કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
વનવિભાગના જણાવ્યા અનુસાર પકડાયેલો દીપડો અંદાજે સાડાત્રણથી ૪ વર્ષનો નર છે. આ રેસ્ક્યુ ઑપરેશન જુન્નર વનવિભાગ, RESQ ચૅરિટેબલ ટ્રસ્ટ અને વાઇલ્ડલાઇફ SOSની ટીમો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. સિનિયર વન-અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાકણ વનવિભાગના કર્મચારીઓ, માણેકડોહ રેસ્ક્યુ સેન્ટરના ડૉક્ટરો અને પોલીસ-અધિકારીઓએ આ કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભૂખ્યો દીપડો શિકારની શોધમાં પ્લાન્ટની અંદર વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવેલા પાંજરામાં કેદ થયો હતો. આ સફળ ઑપરેશન બાદ આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વ્યાપેલા તનાવનો અંત આવ્યો છે. દીપડાને હવે સુરક્ષિત રીતે એના કુદરતી આવાસમાં અથવા રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

mumbai news mumbai pune pune news wildlife maharashtra forest department