મીરા રોડની સ્કૂલે પર્યુષણમાં તમામ બાળકોને ટિફિનમાં કાંદા-લસણ વગરનું ભોજન લાવવાનું કહ્યું

11 September, 2026 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડની સ્કૂલે પર્યુષણમાં તમામ બાળકોને ટિફિનમાં કાંદા-લસણ વગરનું ભોજન લાવવાનું કહ્યું એનો જબરો રાજકીય વિવાદ થઈ ગયો: MNS, શિવસેના (UBT)એ આકરી પ્રતિક્રિયાઓ આપી એટલે BJPના જૈન વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાની સ્કૂલે અપીલ પાછી ખેંચી

સેવન સ્ક્વેર ઍકૅડેમી (સ્કૂલ)

મીરા-ભાઈંદરની સેવન સ્ક્વેર ઍકૅડેમી (સ્કૂલ)ના પોર્ટલ અને વાલીઓના વૉટ્સઍપ ગ્રુપ પર મોકલવામાં આવેલા એક મેસેજને લઈને ગઈ કાલે રાજકીય વાતાવરણ તંગ થઈ ગયું હતું. એ મેસેજમાં એમ કહેવાયું હતું કે ૮થી ૧૫ સપ્ટેમ્બર સુધી પર્યુષણના દિવસો હોવાથી આ દિવસો દરમ્યાન બાળકોને લંચ-બૉક્સમાં કાંદા, લસણ, બટાટા, બીટ જેવાં કંદમૂળની આઇટમો, નાસ્તો ન આપવા વિનંતી છે. જોકે આ મુદ્દાને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ ઉપાડી લીધો હતો અને એ બાબતે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. એ પછી શિવસેના (UBT)ના સંજય રાઉતે પણ સ્કૂલના એ વલણને વખોડી કાઢ્યું હતું અને એનો વિરોધ કર્યો હતો. આ સ્કૂલ BJPના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાની હોવાથી વિરોધી પક્ષોએ ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી હતી, જેને પગલે મોડેથી સ્કૂલ દ્વારા એ મેસેજ પાછો ખેંચી લેવાયો હતો. 

સંજય રાઉતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આ મુદ્દે કહ્યું હતું કે ‘આ સ્કૂલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્યની છે. આ ઘટના લવ જેહાદ કરતાં પણ વધુ ખતરનાક છે. શું આ લોકો નક્કી કરશે કે કોઈએ શું ખાવું અને શું ન ખાવું જોઈએ? શું તેઓ મુંબઈનો ગણેશોત્સવ પણ અંકે કરી લેવા માગે છે? શું આ એ જ મહારાષ્ટ્ર છે જેના માટે ૧૦૬ મરાઠી હુતાત્માઓએ શહીદી વહોરી લીધી હતી? મહારાષ્ટ્રને લિલામમાં મૂકી દીધું છે કે શું?’

MNS દ્વારા આ બાબતે કહેવાયું હતું કે ‘શહેરમાં અનેક જાતિના લોકોની, ધર્મના લોકોની સ્કૂલો છે, કૉલેજો છે પણ આ રીતનો ફતવો કે હાકલ અમે આજ સુધી જોઈ નથી, આ અત્યંત ખોટું છે. આ જે નરેન્દ્ર મહેતા વિધાનસભ્ય છે તે જૈન ધર્મના છે અને એથી તેમની સ્કૂલમાં ભણી રહેલા અન્ય ધર્મના લોકોને તેઓ જબરદસ્તી કરી રહ્યા છે એ ખોટું છે. આજે અમે શાંતિથી તેમને એક નિવેદન આપ્યું છે કે તમે જે પોર્ટલ પર મેસેજ મૂક્યો છે એ પાછો ખેંચી લો, નહીં તો પછી તમારી સ્કૂલની બહાર અમે આંદોલન કરીશું અને જરૂર પડશે તો માંસ, મટન, મચ્છી અને કંદમૂળ લઈને બેસી જઈશું.’

મેસેજ પાછો ખેંચાયો એ પહેલાં નરેન્દ્ર મહેતાએ આ સંદર્ભે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘હું જૈન હોવાથી અમે સ્કૂલના સ્ટુડન્ટ્સના વાલીઓને રિક્વેસ્ટ, વિનંતી કરી છે. અમે વિનંતી કરી છે કે ૮ દિવસ તમે પણ હેલ્ધી (ફૂડ) ખાઓ. જે શરીરને પૌષ્ટિક નથી એવું ઍટ લીસ્ટ ૮ દિવસ ન ખાઓ. કાંદા, લસણ એ બધું હેલ્ધી નથી. આપણે એ ટેસ્ટ (સ્વાદ) માટે ખાઈએ છીએ. એથી અમે એક પ્રકારે આ ૮ દિવસ માટે સ્ટુડન્ટ્સને હાકલ કરી છે અને વાલીઓએ પણ અેનો આદર જ કર્યો છે.’

તમે સ્કૂલમાં બાળકો વચ્ચે અસમાનતા ઊભી કરો છે : MNSના અવિનાશ જાધવ
MNSના નેતા અવિનાશ જાધવે ગઈ કાલે સ્કૂલની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ‘તમે નાનાં બાળકોના મનમાં શું ઠસાવવા માગો છો? તમે આમ કરીને બેઝ (અલગતાવાદનો પાયો) તૈયાર કરી રહ્યા છો કે આ કંદમૂળ નથી ખાતો એથી જૈન છે, આ મચ્છી ખાય છે એટલે તે મુસ્લિમ છે, આ મટન ખાય છે એથી એ બીજા કોઈ ધર્મનો છે, ક્રિ​શ્ચિયન ધર્મનો છે. તમે શું સ્કૂલમાં આ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો? આ સ્કૂલ છે, આ કેવું શિક્ષણ છે જેમાં બાળકોને તેમનો ધર્મ શીખવાડવામાં આવે છે?’

mumbai news mumbai mira road maharashtra navnirman sena uddhav thackeray shiv sena political news paryushan