15 October, 2025 08:34 AM IST | Mumbai | Rajendra B Aklekar
કેબલ સ્ટેય્ડ બ્રિજનું કામ ઑલરેડી શરૂ થઈ ગયું છે તસવીર: આશિષ રાજે
અંધેરીનો ગોખલે બ્રિજ, લોઅર પરેલનો બ્રિજ, એ પછી સાયન બ્રિજ અને હવે એલ્ફિન્સ્ટન બ્રિજ તોડતી વખતે લોકોને જે મુશ્કેલીઓ પડી એને લીધે તેમના દ્વારા જે રીતે વિરોધ કરવામાં આવ્યો એ બધાની સીધી અસર મહાલક્ષ્મીમાં નવા કેબલ સ્ટેય્ડ બ્રિજ બનાવવાના નિર્ણયમાં જોવા મળી છે. આ નિર્ણયમાં ખાસ તકેદારી લેવામાં આવી છે કે જૂનો બ્રિજ હાલ અકબંધ રહે અને એના પરનો વાહનવ્યવહાર પણ ચાલુ રહે. એ બ્રિજની બાજુમાં જ નવો કેબલ સ્ટેય્ડ બ્રિજ તૈયાર થતો જશે. અહીં એક નહીં, પણ બે બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. એક હાલના બ્રિજની ચર્ચગેટ સાઇડ બનશે, જ્યારે બીજો બ્રિજ લોઅર પરેલ સાઇડ બનશે. વળી બન્ને બ્રિજ સાત રસ્તા જંક્શન પર ઊતરશે.
મહાલક્ષ્મી વેસ્ટથી ઈસ્ટને જોડતા કેબલ સ્ટેય્ડ બ્રિજનું કામ ઑલરેડી ચાલુ કરી દેવામાં આવ્યું છે. હાજી અલી સર્કલથી આગળ રેસકોર્સને પૅરૅલલ કેશવરાવ ખાડ્યે રોડ પર મહાલક્ષ્મી તરફથી એ બ્રિજ ચાલુ થશે, જે ઈસ્ટમાં હાલના બ્રિજ પહેલાં જ સાત રસ્તાને જોડતા આંનદીલાલ પોદાર માર્ગ પરથી સાત રસ્તા પર લૅન્ડ થશે, જ્યારે નૉર્થ બાઉન્ડનો બ્રિજ વરલી નાકા તરફથી આવતા ડૉ. એલિઝા મોઝેઝ રોડથી રેલવેલાઇનની ઉપરથી ધોબીઘાટની બીજી તરફ પસાર થતા જી. બાબુ સકપાલ રોડ પરથી પસાર થઈને સાત રસ્તા પર ઊતરશે. આમ બન્ને તરફથી વાહનોની અવરજવર થઈ શકશે અને ટ્રાફિક પણ ઓછો થઈ જશે. આ બ્રિજ બની ગયા પછી જૂનો હાલનો બ્રિજ તોડી પાડવામાં આવશે જેથી મોટરિસ્ટોને કે રાહદારીઓને આવવા-જવામાં અગવડ ન પડે.
ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં બ્રિજ તૈયાર કરવાનું લક્ષ્ય
BMCના ઍડિશનલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું કે ‘રેલવેની હદમાં બ્રિજનું બાંધકામ તબક્કાવાર રેલવેની બધી જ જરૂરી પરવાનગીઓ લઈને કરવામાં આવશે. અમે હાલ ૨૦૦ દિવસમાં બ્રિજનું બાંધકામ પૂરું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે અને બ્રિજ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ચાલુ કરી દેવાનો પ્લાન છે.’ આ બન્ને બ્રિજને કારણે મહાલક્ષ્મી ઈસ્ટ-વેસ્ટ આવતાં-જતાં વાહનો, મોટરિસ્ટો અને રાહદારીઓ માટે સરળતાથી આવવું-જવું શક્ય બનશે.
કેવો હશે નવો બ્રિજ?
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન(BMC)ના ઑફિસરના જણાવ્યા અનુસાર નવા બનનારા બન્ને બ્રિજ પર ૪ લેન હશે. ચર્ચગેટ સાઇડનો કેબલ સ્ટેય્ડ બ્રિજ ૮૦૩ મીટર લાંબો અને ૧૭.૨ મીટર પહોળો હશે, જેનો ૨૩.૦૧ મીટર ભાગ રેલવેલાઇન પર હશે; જ્યારે લોઅર પરેલ સાઇડનો બ્રિજ ૬૩૯ મીટર લાંબો હશે.