03 August, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તિવારી’ઝની કાજુકતરીમાં દેખાઈ રહેલી સ્ટેપલર પિન.
હાલ રોજેરોજ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા હોટેલો, રેસ્ટોરાં અને સરકારી કૅન્ટીન સહિત ખાવા-પીવાની ચીજો વેચતી બેકરીઓ અને ડેરીઓ પર કાર્યવાહી થઈ રહી છે ત્યારે ચર્ની રોડની વર્ષો જૂની અને જાણીતી મીઠાઈની દુકાન તિવારી’ઝમાંથી લીધેલી કાજુકતરીમાંથી સ્ટેપલરની પિન મળી આવી છે. એક ગ્રાહકે ૨૯ જુલાઈએ ત્યાંથી લીધેલી કાજુકતરી તેની સાડાત્રણ વર્ષની દીકરીને આપવા ખોલી તો એમાં સ્ટેપલરની પિન હોવાનું જણાઈ આવ્યું હતું. એથી ચોંકી જઈને તેણે એ કાજુકતરી ફરી દુકાનમાં જઈને બતાવી હતી એટલું જ નહીં, આ ઘટનાને લઈ સેફ્ટી અને ક્વૉલિટી કન્ટ્રોલને લઈને સવાલો ઊભા થયા છે.
દુકાનના કિચનનો ત્યાર બાદ લેવાયેલો વિડિયો જે પાછળથી વાઇરલ થયો હતો એમાં ફરસાણ અને અન્ય ખાવાની ચીજો બનાવવામાં આવતી હોય છે એ તેલના મોટા તાવડામાં કંતાન ધોવા માટે બોળેલાં જણાઈ આવે છે. એથી પણ સ્વચ્છતા અને હાઇજીનને લઈને સવાલો ઉઠાવાઈ રહ્યા છે. જો આવું જ ચાલતું રહ્યું તો ગ્રાહકોને શું ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવાઈ રહ્યા છે એવી કમેન્ટ નેટિઝનો કરી રહ્યા છે.