કોસ્ટલ રોડ પર પૉર્શે કાર બેકાબૂ બની, ડિવાઇડર પર ચડ્યા બાદ પાછળ આવતી કારને અડફેટે લીધી

20 July, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કારની ઍરબેગ ખૂલી જતાં ડ્રાઇવર તો બચ્યો, પણ પાછળની કારમાં બેઠેલી બાળકીને થઈ ઈજા

કોસ્ટલ રોડ પર પૉર્શે કારનો અકસ્માત થયા બાદ પોલીસ પહોંચી ગઈ હતી અને ટ્રાફિક મૅનેજ કર્યો હતો.

હજી ૩ દિવસ પહેલાં જ કોસ્ટલ રોડની ટનલમાં એક કાર ભડકે બળી ગઈ હતી અને અંધાધૂંધી સર્જાઈ હતી ત્યારે ગઈ કાલે સવારે એક પૉર્શે કારના ડ્રાઇવરે તેની કાર ડિવાઇડર સાથે અથડાવી હતી. કારની ટક્કર લાગતાં જ કારની ઍરબેગ ખૂલી ગઈ હતી અને ડ્રાઇવરને કશું જ થયું નહોતું, પણ એ જ વખતે પાછળ આવી રહેલી બીજી કાર સાથે તેની કાર અથડાતાં એ કારમાં પ્રવાસ કરી રહેલી એક નાની બાળકીને થોડી ઈજા થઈ હતી. તે બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. 

ગામદેવી પોલીસે આ ઘટના વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અકસ્માતની આ ઘટના કોસ્ટલ રોડ પર બ્રીચ કૅન્ડી હૉસ્પિટલની પાછળ સવારે ૮.૩૦ વાગ્યે બની હતી. પૉર્શે કારનો ડ્રાઇવર પૂરઝડપે કાર ભગાવીને જઈ રહ્યો હતો ત્યારે તેણે કાર પરથી કન્ટ્રોલ ગુમાવીને ડિવાઇડર સાથે અથડાવી દીધી હતી અને પછી એ પાછળથી આવી રહેલી અર્ટિગા સાથે પણ અથડાઈ હતી. પૉર્શે ડિવાઇડર સાથે અથડાતાં કારના આગળના ભાગને સખત નુકસાન થયું હતું.’ 

બીજી બાજુ અર્ટિગા કારમાં એક ડૉક્ટર તેમની પત્ની અને બાળકી સાથે પ્રવાસ કરી રહ્યા હતા. ગામદેવી પોલીસે પૉર્શે કારના ડ્રાઇવર સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને વધુ તપાસ ચાલુ કરી છે. કાર ચલાવતી વખતે પૉર્શે કારનો ડ્રાઇવર આલ્કોહૉલની અસર હેઠળ હતો કે કેમ તથા અન્ય તપાસ કરવા માટે તેને પોલીસ હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. 

રવિવારે સવારનો સમય હતો અને એમાં થોડો વરસાદ પણ હતો એટલે બહુ ટ્રાફિક નહોતો. એમ છતાં ગામદેવી પોલીસે બૅરિકેડ્સ મૂકીને રસ્તાનો કેટલોક ભાગ કૉર્ડન કરી લીધો હતો અને ત્યાર બાદ અન્ય વાહનોને ત્યાંથી ધીમે-ધીમે પસાર કર્યાં હતાં.  

mumbai news mumbai Mumbai Coastal Road road accident Crime News mumbai crime news