`તું જય ભીમ વાલા હૈ ક્યા?` જાતિગત પ્રશ્ન બાદ નોકરી ન આપનાર વિરુદ્ધ FIR

17 April, 2024 10:08 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

લોકોને તેમના દલિત હોવાને કારણે નોકરી ન આપવાની ઘટના સામે આવી છે. ગોરેગાંવ વેસ્ટના રહેવાસીની એક શેડ્યૂલ કાસ્ટ અથવા શેડ્યૂલ ટ્રાઈબ જાતિના વ્યક્તિ સાથેની વૉટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે.

તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ

ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જયંતિ ઉજવ્યાને હજી તો દિવસ જ કેટલા થયા છે, ત્યારે તેમના દ્વારા ઘડવામાં આવેલા બંધારણ અને તેમને માન આપીને જય ભીમ કહેનારા દલિત સમાજના લોકોને તેમના દલિત હોવાને કારણે નોકરી ન આપવાની ઘટના સામે આવી છે. ગોરેગાંવ વેસ્ટના રહેવાસીની એક શેડ્યૂલ કાસ્ટ અથવા શેડ્યૂલ ટ્રાઈબ જાતિના વ્યક્તિ સાથેની વૉટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં જન્મ લેનાર વ્યક્તિને બંધારણમાં સમાનતાના અધિકારની સાથે અનામત મળ્યું હોવા છતાં તેમને તેમના અધિકાર આપવામાં આવતા નથી. આ છોકરાએ એમ્પ્લોયર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી દીધો છે. જેની કૉપી પણ આ પોસ્ટમાં સાથે જોડવામાં આવી છે. આ પોસ્ટમાં એમ્પ્લોયર કે ઇમ્પ્લોઇ માટે અપ્લાય કરનાર બન્નેની વિગતો જાહેર કરવામાં આવી નથી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે જો કોઈ પોતાની સ્વતંત્રતાનો ઝંડો ફરકાવતા એમ કહે કે કામ પર રાખનારને પૂરેપૂરો અધિકાર છે કે તેણે કોને કામ પર રાખવો અને કોને નહીં? તેમને માટે ક્રિમિનલ એક્ટ અંતર્ગત ધર્મ, જાતિ, વર્ગ અને વર્ણને આધારે ભેદભાવ કરવા એ કાયદાકીય ગુનો છે તે યાદ કરાવી દેવામાં આવ્યું છે.

વૉટ્સએપ પરની ચૅટની શરૂઆત હેલોથી થાય છે. ત્યાર બાદ સીધો પ્રશ્ન એમ કરવામાં આવ્યો છે કે શું તું જય ભીમ વાળો છે? જવાબમાં છોકરો કહે છે કે હા મેડમ, કેમ શું થયું? ફરી ગોરેગાંવ વેસ્ટના રહેવાસીએ `ઓહ` એમ કહીને ચોખવટ કરી છે કે `વાસ્તવમાં હું જય ભીમ વાળાને કામ પર નથી રાખતી.` છોકરો ઓકે કહે છે અને અહીંથી આગળની ચૅટ ક્રોપ કરી દેવામાં આવી છે. આ ચૅટની તસવીરની નીચે જ 17 એપ્રિલ 2024ના રોજ બપોરે સવા એક વાગ્યે નોંધાવવામાં આવેલ એફઆઈઆરની કૉપીનો ભાગ પણ અટેચ કરવામાં આવ્યો છે.

આ એફઆઈઆરની કૉપીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સેક્શન 3(1)(U), નાગરી હક્ક સંરક્ષણ અધિનિયમ, 1955 સેક્શન 7(1)(C) અને નાગરી હક્ક સંરક્ષણ અધિનિયમ 1955 સેક્શન 7(1)(d) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર અંધેરીવેસ્ટશીટપોસ્ટ નામના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવી છે. આ પોસ્ટ શૅર કરવાના થોડાક જ કલાકમાં હજારોમાં લાઈક અને શૅર કરવામાં આવી છે. તેમજ સેંકડો લોકોએ કોમેન્ટ્સ કરી છે. ત્યાર બાદ આ પોસ્ટ પરનું કોમેન્ટ સેક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. યૂઝર્સ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે તો કેટલાક અનામત પર પ્રશ્નો પણ ખડાં કરી રહ્યા છે તો કેટલાક યૂઝર્સ તે મહિલાને 6 મહિનાની જેલની સજા થશે એવી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

 

goregaon Crime News mumbai crime news babasaheb ambedkar mumbai news mumbai mumbai police whatsapp instagram social media