મુંબઈ ઍરપોર્ટ પર પ્રવાસીઓને ધમકાવીને વધુ ભાડું વસૂલ કરતો રિક્ષા-ડ્રાઇવર ટ્રાફિક-પોલીસની જાળમાં ફસાયો

25 June, 2026 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રાઇવરે પ્રવાસી બનેલા પોલીસને ફેરવ્યા વગર જ રિક્ષામાં બેસાડ્યો અને ધમકાવીને ૫૦૦ રૂપિયા માગ્યા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઍરપોર્ટના પરિસરમાં રિક્ષા-ડ્રાઇવર દ્વારા પ્રવાસીઓ પાસેથી નિયમ વિરુદ્ધ જઈને વધુ ભાડું વસૂલ કરવાની અને છેતરપિંડી આચરવાની વધતી ફરિયાદોને પગલે સહાર ટ્રાફિક-પોલીસે એક વિશેષ ઑપરેશન હાથ ધરીને એક રિક્ષા-ડ્રાઇવરને મંગળવારે રાતે રંગેહાથ ઝડપી લીધો હતો. આ મામલે સહાર પોલીસે રિક્ષા-ડ્રાઇવર સામે ખંડણી એટલે કે જબરદસ્તી પૈસા ઉઘરાવવાની તેમ જ છેતરપિંડીની ફરિયાદ નોંધીને ૪૫ વર્ષના મોહમ્મદ શેખની ધરપકડ કરી છે.

સહાર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ રિક્ષા-ડ્રાઇવર અથવા ટૅક્સી-ડ્રાઇવર મીટર કરતાં વધારે ભાડું માગે ત્યારે તાત્કાલિક પોલીસ કન્ટ્રોલમાં એની ફરિયાદ કરો જેથી તેને અટકાવી શકાય.

સહાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાફિક વિભાગના અધિકારીએ મંગળવારે રાતે ઍરપોર્ટ પાસે હયાત હોટેલના સિગ્નલ નજીક એક ખાસ છટકું ગોઠવ્યું હતું. આ ઑપરેશન દરમ્યાન ટ્રાફિક-પોલીસના એક કૉન્સ્ટેબલે બોરીવલી જવાના બહાને સામાન્ય પ્રવાસી બનીને રિક્ષા-ડ્રાઇવરોનો સંપર્ક કર્યો હતો. ત્યાં ઊભેલા એક રિક્ષા-ડ્રાઇવરે પ્રવાસી બનેલા પોલીસ-અધિકારીને મીટર ફેરવ્યા વગર બોરીવલી જવા માટે ૩૫૦ રૂપિયા ભાડું જણાવ્યું હતું. જોકે પ્રવાસીને રિક્ષામાં બેસાડ્યા બાદ રિક્ષા-ડ્રાઇવરે મુખ્ય રસ્તા પરથી ગાડી અધવચ્ચે જ પાછી વાળી લીધી હતી અને વિવાદ શરૂ કર્યો હતો અને વધારે પૈસાની માગણી કરી હતી. પોલીસે જ્યારે ના પાડી ત્યારે રિક્ષા-ડ્રાઇવરે દાદાગીરી પર ઊતરી આવીને ‘ચૂપચાપ ૫૦૦ રૂપિયા આપવા પડશે, નહીંતર જોઈ લઈશ’ એવી ધમકી આપીને ખંડણી માગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તરત જ ઇશારો કરીને સંતાયેલા અન્ય સ્ટાફને બોલાવી લીધો હતો અને મોહમ્મદ શેખ નામના રિક્ષા-ડ્રાઇવરને પકડીને તેની સામે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી.’

mumbai news mumbai mumbai airport mumbai traffic mumbai traffic police Crime News mumbai crime news