20 October, 2025 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલવામાં ચાલ પરના સ્લૅબનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેને કારણે બે વ્યક્તિ પહેલા માળેથી નીચે પટકાઈ હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ યાસિન તડવીએ આપેલી માહિતી મુજબ શનિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ કલવાના વિટાવા વિસ્તારમાં ધર્મ નિવાસ ચાલમાં આ ઘટના બની હતી.
ચાલમાં પહેલા માળનો સ્લૅબ તૂટીને નીચે પડતાં બે વ્યક્તિ પહેલા માળથી નીચે પડી ગઈ હતી. બન્ને વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે કલવાની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
૩૦ વર્ષ જૂની ધર્મ નિવાસ ચાલમાં ૨૦ ફ્લૅટ છે, જેમાં ૫૦ જેટલા રહેવાસીઓ રહે છે. આ સ્ટ્રક્ચર જોખમી ઇમારતની યાદીમાં આવતું નથી છતાં આ બનાવ બનતાં રહેવાસીઓ ભયભીત થઈ ગયા હતા. સ્ટ્રક્ચર જોખમી જણાતાં છ ફ્લૅટ ખાલી કરાવીને સીલ કરવામાં આવ્યા હતા અને ઇલેક્ટ્રિસિટી પણ બંધ કરવામાં આવી હતી. આ ચાલમાં રહેતા લોકોને દિવાળીના સમયમાં જ થોડા સમય માટે અન્ય કોઈ જગ્યાએ રહેવાની ફરજ પડી હતી. TMCનો બાંધકામ વિભાગ આગળની કાર્યવાહી કરશે.