23 November, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
JNPA-પનવેલ રોડ પર કાર અને કન્ટેનરની જોરદાર ટક્કરમાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.
શનિવારે વહેલી સવારે પનવેલ નજીક એક જીવલેણ માર્ગ-અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બે જણ ઘાયલ થયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ JNPA-પનવેલ રોડ પર પૂરઝડપે આવતી કાર રસ્તાની બાજુમાં ઊભેલી એક કન્ટેનર સાથે જોરદાર અથડાઈ હતી, જેને કારણે બન્ને વાહનોને ભારે નુકસાન થયું હતું. કાર એટલી હદે કચડાઈ ગઈ હતી કે એ કાર છે એવું જાણવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. પોલીસે આ અકસ્માતનો કેસ નોંધ્યો છે અને અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે વિગતવાર તપાસ શરૂ કરી છે.
પાંચ મહિલાઓ માટે જીપનો અકસ્માત જીવલેણ બન્યો
મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં એક ફોર-વ્હીલરનું ટાયર ફાટતાં વાહન પલટી ખાઈ ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં પાંચ મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો અને ૮ અન્ય મુસાફરો ઘાયલ થયા હતા. મુસાફરોને લઈને એક ક્રૂઝર જીપ સોલાપુરથી ધારાશિવના નળદુર્ગમાં આવેલા એક મંદિરમાં યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. અચાનક ટાયર ફાટવાને કારણે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને એ ટ્રૅક્ટર તથા રોડ-ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગયું હતું.