15 March, 2025 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોસ્ટલ રોડ
મુંબઈગરા અને સહેલાણીઓ મુંબઈના દરિયાકિનારે શાંતિથી સૂર્યાસ્ત માણી શકે કે પછી દરિયો જોવાની મજા લઈ શકે એ માટે હવે કોસ્ટલ રોડ પર હાજી અલી પાસે વ્યુઇંગ ડેક બનાવવામાં આવશે. પ્રિન્સેસ સ્ટ્રીટથી બાંદરા-વરલી સી-લિન્ક સુધી ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ૧૦.૫૮ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડ પર હવે હાજી અલી પાસે વ્યુઇંગ ડેક બનાવવામાં આવશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ માટે કન્સલ્ટન્ટને જોગવાઈ કરવાનું કહેવામાં આવ્યું છે.
આ વ્યુઇંગ ડેક કોસ્ટલ રોડ પરના વૉકવેને લાગીને જ હશે. જોકે એ થોડી ઊંચાઈએ અને સેફ હશે. લોકો એના પર ઊભા રહીને અથવા બેસીને દરિયો કે સૂર્યાસ્ત જોવાની મજા માણી શકશે. ફેબ્રુઆરી ૨૦૨૨માં દાદર ચોપાટી પર વ્યુઇંગ ડેક બનાવવામાં આવી હતી. એ પછી ૨૦૨૩માં ગિરગામ ચોપાટી પર પણ વ્યુઇંગ ડેક બનાવવામાં આવી છે. હવે કોસ્ટલ રોડ પર વ્યુઇંગ ડેક બનાવવામાં આવશે. કોસ્ટલ રોડ પર ગ્રીન ઝોન, સાઇકલ ટ્રૅક, પબ્લિક ગાર્ડન, જૉગિંગ ટ્રૅક અને ઍમ્ફી થિયેટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે મરીન ડ્રાઇવની જેમ લોકો બેસી શકે, આંટા મારી શકે એ માટે (પ્રૉમનેડ) પણ બનાવવામાં આવશે.