30 August, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૅકેજોના આગળના ભાગમાં લાલ રંગના ષટ્કોણમાં ચેતવણી લખવા માટે સંમતિ આપવામાં આવી
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ શુક્રવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગ્રાહકોને ચિંતાજનક તત્ત્વોથી ભરપૂર ઉત્પાદનો ઓળખવામાં મદદ કરવા માટે ખાદ્ય પૅકેજોના આગળના ભાગમાં લાલ રંગના ષટ્કોણમાં ચેતવણી લખવા માટે સંમતિ આપવામાં આવી છે.
૧૩ ઑગસ્ટે પૅક લેબલિંગ પર કોર્ટના આદેશના જવાબમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલા ઍફિડેવિટ દ્વારા FSSAIએ ફ્રન્ટ ઑફ પૅક લેબલિંગ (FoPL)ના મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દા પર કાર્યવાહી કરવા દબાણ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્ર સરકાર પોતાની રીતે એ કરે છે તો સારું, નહીં તો અમે વધુ નિર્દેશો પસાર કરીશું.
આ માળખા હેઠળ ઉત્પાદનો પર લાલ ષટ્કોણમાં ચેતવણી લખવામાં આવશે જેમાં જે જરૂરી હશે એમ હાઈ ફૅટ, હાઈ સૉલ્ટ અને હાઈ શુગર એવું લખવામાં આવશે. ગળ્યાં પીણાં માટેની ચેતવણીમાં ખૂબ જ મીઠાશવાળાં પીણાં એમ લખવામાં આવશે.
આ ચેતવણી પૅકની પાછળની પોષણ-માહિતી કરતાં એક પૉઇન્ટ મોટા ફૉન્ટમાં પ્રદર્શિત થશે. FSSAIએ લાગુ ખાદ્ય સલામતી અને લેબલિંગ નિયમોને આધીન ઘી, ખાદ્ય તેલ, મીઠું, ખાંડ, ગોળ અને મધ જેવા એકલ-ઘટક ખોરાકને પ્રસ્તાવિત ચેતવણીઓમાંથી મુક્તિ આપવા સંમતિ આપી છે.