માબાપની ઓથની કારમી વિદાય

08 October, 2025 07:20 AM IST  |  Mumbai | Rohit Parikh

કઝિન સાથે હિમાચલ પ્રદેશમાં બાઇક પર નીકળેલી ઘાટકોપરની મહિલાનું ઍક્સિડન્ટમાં અકાળ અવસાનઃ ૪૪ વર્ષનાં રચના સોનાની પેરન્ટ્સનો સહારો બનવા સિંગલ હતાં

આ ઑઇલ ટૅન્કર સાથે બાઇકની ટક્કરને લીધે થયેલા અકસ્માતમાં રચના સોનાનીનું મૃત્યુ થયું હતું

ચંડીગઢના એક ઍડ્વેન્ચર ગ્રુપ સાથે મોટરબાઇક પર ઍડ્વેન્ચર ટ્રિપ પર ગયેલાં કચ્છી જૈન રચના જવાહર સોનાની (વોરા)નું રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ટ્રિપમાં તેમના બે કઝિન પણ સાથે હતા. ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં રહેતાં રચના સોનાની ૪૪ વર્ષનાં હતાં.

ઘાટકોપરથી રચના સોનાની, તેમની સાથે અંધેરીમાં રહેતો તેમના કાકાનો દીકરો હિતેષ સોનાની અને વડાલામાં રહેતાં માસીનો ‌દીકરો ચિરાગ ‌કેનિયા શનિવારે મુંબઈથી ચંડીગઢ ગયાં હતાં. ચંડીગઢથી તેઓ ત્યાંના એક ઍડ્વેન્ચર ટૂર ગ્રુપ સાથે મોટરબાઇક પર પ્રવાસે નીકળ્યાં હતાં. મોટરબાઇક પર ૧૨૦૦ કિલોમીટરની મુસાફરી કરવાનો તેમનો ટાર્ગેટ હતો. જોકે સોમવારે ચિરાગ અને રચનાની મોટરબાઇક સહિત સવારે છ બાઇક અને બે કાર સાથે ઍડ્વેન્ચરની શરૂઆત થઈ અને થોડા જ કલાકોમાં શિમલાથી કિન્નોર જતાં હતાં ત્યારે રામપુર બુશહર ક્ષેત્રમાં તેમનો દર્દનાક રોડ-અકસ્માત થયો હતો. અકસ્માત વખતે હિતેષ સોનાની અલગ મોટરબાઇક પર હતો.

અકસ્માતની માહિતી આપતાં રામપુરના ડેપ્યુટી પોલીસ-કમિશનર નરેશ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં ટૅન્કર અને મોટરબાઇક વચ્ચે જોરદાર અથડામણ થતાં આ અકસ્માત થયો હોવાની જાણકારી મળી છે. ટૅન્કરની ટક્કરથી રચના મોટરબાઇક પરથી ઊછળીને ટૅન્કરના ટાયર નીચે આવી ગઈ હતી અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી, જ્યારે ચિરાગ રોડ પર પછડાયો હતો અને તેને ગંભીર ઈજા થઈ હતી. ચિરાગને તરત જ ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં ખનેરી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ચિરાગ અને રચનાની મોટરબાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અમે ટૅન્કરના ડ્રાઇવરને પૂછપરછ માટે અટકાયતમાં લીધો છે. પોલીસ અકસ્માતની વધુ તપાસ કરી રહી છે.’

પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો : રચનાના મામા
આ અકસ્માતથી અમારા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રચના તેનાં માતા-પિતાના દીકરા સમાન જ હતી એમ જણાવતાં રચનાના મામા હસમુખ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે તેઓ ખૂબ ખુશીના મૂડમાં હતા, પણ અકસ્માતના સમાચારે અમને હચમચાવી દીધા હતા. મારી બહેન ભાવનાને બે પુત્રી છે. એક પુત્રી પરણીને અમેરિકામાં સેટલ થઈ છે, જ્યારે રચનાએ માતા-પિતાની ઓથ બનીને રહેવા માટે કુંવારા રહેવાનું પસંદ કર્યું હતું. આખો પરિવાર ખૂબ જ ધર્મિષ્ઠ છે. રચનાના પિતા જવાહરભાઈ નિવૃત્ત જીવન જીવે છે. રચના દુખિયારાઓની સેવા કરવામાં હંમેશાં અગ્રેસર રહેતી હતી.’

કેવી રીતે થયો અકસ્માત?
શિમલા જિલ્લાના જેઓરી નૅશનલ હાઇવે-નંબર પાંચ પર સોમવારે સવારે અંદાજે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ આ ગ્રુપ શિમલાથી કિન્નોર તરફ જઈ રહ્યું હતું. રચનાના ભાઈ ૪૨ વર્ષના ચિરાગ શાંતિલાલ કેનિયા બાઇક ચલાવી રહ્યા હતા. આ સમયે મોટરબાઇક એક ઑઇલ ટૅન્કર સાથે ટકરાતાં રચનાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ચિરાગભાઈને ગંભીર ઈજા થઈ હતી. આ બનાવના સમાચારથી ઘાટકોપરના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી. ગઈ કાલે ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં રચનાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

mumbai news mumbai columnists rohit parikh himachal pradesh ghatkopar gujaratis of mumbai gujarati community news kutchi community jain community road accident