24 February, 2026 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયસ અમી
કલ્યાણ-ઈસ્ટના તીસગાવ નાકા વિસ્તારમાં આવેલી સહજીવન સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષના આયસ અમીને રખડતો કૂતરો કરડ્યા બાદ ઊભી થયેલી માનસિક તાણને લીધે રવિવારે મોડી રાતે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.
આયસ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો એમ જણાવતાં કોળસેવાડીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર હેમંત ગુરવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં જ્યારે તે તીસગાવ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક કૂતરાએ તેના પગમાં બચકું ભર્યું હતું. એ ઘટના બાદ તેણે સમયસર હૉસ્પિટલ જઈને રેબીઝનાં ઇન્જેક્શન લઈને સારવાર શરૂ કરી હતી. સારવાર ચાલી રહી હોવા છતાં તેના મનમાં એક અજીબોગરીબ ભય ઘર કરી ગયો હતો અને તેને સતત લાગતું હતું કે મને રેબીઝ થઈ ગયો છે અને હવે હું બચી નહીં શકું. આ આશંકાએ ધીમે-ધીમે વિકરાળ માનસિક તાણનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને રવિવારે રાતે આયસે બેડરૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃતદેહ પાસેથી એક સુસાઇડ-નોટ મળી છે જેમાં તેણે પોતે આ અંતિમ પગલું શા માટે ભરી રહ્યો છે એની વિગતો લખી છે. ૪ દિવસથી તે સતત માનસિક પીડામાં હતો અને આખરે મોતનો ડર જ તેના અકાળ અવસાનનું કારણ બન્યો હતો. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’