19 April, 2026 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની લોકલ ટ્રેનોમાં જીવલેણ ભીડનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુરુવારે ડોમ્બિવલીના કોપર સ્ટેશન પરથી મુસાફરોથી ખીચોખીચ ભરેલી ટ્રેનમાં ચડીને સંબંધીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા દાદર જઈ રહેલો ૩૬ વર્ષનો યુવક નીચે પટકાતાં તેનું કરુણ મૃત્યુ થયું હતું.
થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના જણાવ્યા અનુસાર દિવા ખાતે રહેતો તેજસ પવાર તેના એક મહિલા સંબંધી સાથે દાદર જવા નીકળ્યો હતો. શરૂઆતમાં તે દિવા સ્ટેશન પર ટ્રેન પકડવા ગયો હતો, પરંતુ મુંબઈ તરફ જતી તમામ ટ્રેનોમાં ભારે ભીડ હોવાથી તેણે વિરુદ્ધ દિશામાં જઈને કોપર સ્ટેશનથી ટ્રેન પકડવાનું નક્કી કર્યું હતું.
કોપર સ્ટેશન પર ટ્રેન આવતાં જ તેજસનાં સંબંધી ડબ્બાની અંદર પ્રવેશવામાં સફળ રહ્યાં હતા, પરંતુ તેજસ દરવાજા પાસે ફુટબોર્ડ પર જ લટકી રહ્યો હતો. ટ્રેન જેવી કોપરથી ઊપડીને દિવા સ્ટેશન નજીક પહોંચી ત્યારે તેજસનો હાથ છૂટી ગયો હતો અને તે ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો.
દુર્ઘટના બાદ તેજસને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હૃદયદ્રાવક બાબત એ છે કે તેજસનાં સંબંધીને આ અકસ્માતની જાણ સુધ્ધાં નહોતી થઈ. તેઓ છેક દાદર પહોંચ્યા ત્યાં સુધી આ ગમખ્વાર ઘટનાથી અજાણ હતાં.