01 October, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈ-વિરારમાં નવરાત્રિ ઉત્સવ દરમ્યાન ગરબાનાં જાહેર આયોજનોમાં સુરક્ષા અને શિસ્ત જાળવી રાખવાના હેતુથી એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ગરબા મંડપોના મુખ્ય પ્રવેશદ્વાર પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો તહેનાત રહેશે અને અંદર પ્રવેશ કરનાર દરેક વ્યક્તિના ઓળખપત્રની કડક ચકાસણી કરશે. આ પગલું ગરબાનાં સ્થળો પર કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાઓ કે ગેરરીતિઓ રોકવા માટે ભરવામાં આવ્યું હોવાનું BJPના સ્થાનિક નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અને નગરસેવક મનોજ પાટીલે આ વિશે વિગતો આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વસઈ અને વિરાર વિસ્તારમાં BJP દ્વારા આયોજિત તમામ ગરબા કાર્યક્રમોમાં ગેટ પર જ આઇડેન્ટિટી કાર્ડની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત અમે પ્રાઇવેટ હાઉસિંગ સોસાયટીઓ અને અન્ય જાહેર ગરબા મહોત્સવના આયોજકોને પણ અપીલ કરી છે કે તેઓ પ્રવેશદ્વાર પર દરેક વ્યક્તિનું આધાર કાર્ડ ચકાસીને જ પ્રવેશ આપે. જો ખાનગી આયોજકોને આ પ્રક્રિયામાં અમારી કોઈ મદદની જરૂર હશે તો અમારી ટીમ ત્યાં પહોંચીને આધાર કાર્ડની ચકાસણીમાં સહયોગ કરશે. ગત વર્ષો દરમ્યાન ગરબાના કાર્યક્રમોમાં કેટલાંક મુસ્લિમ અસામાજિક તત્ત્વો દ્વારા ઉપદ્રવ મચાવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. કેટલાંક તત્ત્વો દારૂનું સેવન કરીને પ્રવેશતા હોવાના તેમ જ મહિલાઓ અને યુવતીઓની છેડતી કરવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા હતા. ગરબા એ હિન્દુ સંસ્કૃતિનો પવિત્ર તહેવાર હોવાથી આ વખતે આવા કોઈ પણ પ્રકારના અનાચાર કે અશાંતિને સાંખી લેવામાં આવશે નહીં.’
આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગરબા રમવા આવતી મહિલાઓ, યુવતીઓ અને માતાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે એમ જણાવતાં મનોજ પાટીલે કહ્યું હતું કે ‘આપણી બહેન-દીકરીઓની સુરક્ષા અને રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. એથી જ વસઈ-વિરાર વિસ્તારમાં આ કડક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ નિર્ણયથી ગરબા મહોત્સવ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે અને પરિવાર સાથે આવતા શ્રદ્ધાળુઓ ભયમુક્ત વાતાવરણમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરી શકશે.’