05 October, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં સ્થાવર મિલકત (ઇમ્મૂવેબલ પ્રૉપર્ટી) સંબંધિત દસ્તાવેજોની નોંધણી માટે એક ઑક્ટોબરથી આધાર ઑથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રિયલ એસ્ટેટ અને મિલકતના વ્યવહારોમાં થતી છેતરપિંડી અટકાવવા માટે મહેસૂલ વિભાગ દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ સ્પષ્ટ કર્યું છે કે આધાર ઓળખ વગર હવેથી કોઈ પણ દસ્તાવેજની નોંધણી કરવામાં આવશે નહીં.
મહેસૂલ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ નવો નિયમ કુલ ૬૩ પ્રકારના દસ્તાવેજોના રજિસ્ટ્રેશન પર લાગુ થશે જેમાં મિલકતના સેલ-ડીડ, ખરીદી, મૉર્ગેજ અને પાર્ટિશન-ડીડ જેવા તમામ મહત્ત્વના દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
નવી જોગવાઈઓ મુજબ જે વ્યક્તિઓ પાસે આધાર કાર્ડ નથી તેમણે આધાર માટે અરજી કરી હોવાનો પુરાવો રજૂ કરવો પડશે અને એની સાથે સરકારમાન્ય અન્ય આઇડેન્ટિટી કાર્ડ જમા કરાવવાં પડશે.
અધિકારીએ ઉમેર્યું હતું કે આવા કિસ્સામાં પક્ષકારોએ સોદા સાથે સંકળાયેલી સંબંધિત વ્યક્તિ સાથેના સંબંધો સાબિત કરતા દસ્તાવેજો પણ આપવા પડશે. તમામ સબમિટ કરાયેલા દસ્તાવેજો અને ઓળખ-વિગતોની ચકાસણી પૂર્ણ થયા બાદ જ પ્રૉપર્ટી-ટ્રાન્ઝૅક્શનને આખરી મંજૂરી આપવામાં આવશે.