09 January, 2026 07:08 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મૅસ્કોટ ઉદય (Udai) લૉન્ચ
આધાર કાર્ડ આપતી યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ સામાન્ય લોકો સાથે સંકળાયેલી સેવાઓને આસાનીથી સમજાવવા માટે સત્તાવાર મૅસ્કોટ ઉદય (Udai) લૉન્ચ કર્યો છે. એનો હેતુ આધારને લગતી માહિતી સરળતાથી લોકો સમજી શકે એવી બનાવવાનો છે જેથી ટેક્નિલ વાતો પણ સામાન્ય ભાષામાં સમજાવી શકાય.
ઉદય એક રેસિડન્ટ-ફ્રેન્ડ્લી કમ્યુનિકેશન સાથીની જેમ કામ કરશે અને એના દ્વારા આધાર અપડેટ, ઑથેન્ટિકેશન, ઑફલાઇન વેરિફિકેશન, નવી ટેક્નિક વાપરવી અને આધારનો જવાબદારીભર્યો ઉપયોગ કરવા જેવી સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આ માટે UIDAI દ્વારા MyGov પ્લૅટફૉર્મ પર ઓપન નૅશનલ ડિઝાઇન અને નામકરણ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં દેશભરમાંથી ૮૭૫ એન્ટ્રી આવી હતી જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને ડિઝાઇનર્સ સામેલ હતા. આ એન્ટ્રીમાંથી પસંદગી માટે મલ્ટિ-લેયર પ્રક્રિયા કરવામાં આવી હતી.
કેરલાના ત્રિશૂરના અરુણ ગોકુલે ડિઝાઇન માટે પ્રથમ પ્રાઇઝ જીત્યું હતું, જ્યારે પુણેના ઇદ્રિસ દવાઈવાલા અને હૈદરાબાદના મહારાજ શરણને બીજું અને ત્રીજું સ્થાન મળ્યું હતું. મૅસ્કોટના નામની સ્પર્ધામાં ભોપાલની રિયા જૈને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.