સુરતથી ગુવાહાટીની ચાર્ટર્ડ ફ્લાઇટના કેટલા પૈસા થયા અને એ કોણે ખર્ચ્યા?

11 August, 2022 10:25 AM IST  |  Mumbai | Mehul Jethva

એકનાથ શિંદે ગ્રુપે ઉપયોગમાં લીધેલી ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વિગતો આરટીઆઇમાં પૂછનાર ગુજરાતી પૉલિટિશ્યનને ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જવાબ આપ્યો કે અમારી પાસે એની વિગતો નથી. અરજીકર્તા અપીલમાં ગયા

આરટીઆઇ કરનાર જનક કેસરિયા

શિવસેનાથી અલગ થઈ એકનાથ શિંદેએ પોતાની સાથેના વિધાનસભ્યોને રાજ્યથી દૂર લઈ જઈને સુરતમાં રાખ્યા હતા. ત્યાં દરેક વિધાનસભ્યને ચાર્ટર્ડ ફ્લાઇટમાં લઈ જઈને તમામ પ્રીમિયમ સુવિધા આપવામાં આવી હતી, જે માટે કેટલાક નિયમોની પણ ઐસીતૈસી કરવામાં આવી હતી. જોકે આ નેતાઓને સુરતથી ગુવાહાટી સુધી ચાર્ટર્ડ ફ્લાઇટમાં લઈ જવાનો ખર્ચ કોણે કર્યો અને કેટલો કર્યો એ જાણવા માટે મુલુંડના ગુજરાતી રાજકારણીએ સુરત ઍરપોર્ટ ઑથોરિટી પાસેથી આરટીઆઇ હેઠળ માહિતી માગી હતી, પરંતુ નવાઈની વાત એ છે કે ઍરપોર્ટ ઑથોરિટીએ આ બાબતે કોઈ માહિતી ન હોવાનો જવાબ આપ્યો હતો.

રાજ્ય વિધાન પરિષદનું પરિણામ આવે એ પહેલાં જ એકનાથ શિંદે અમુક વિધાનસભ્યોને લઈને સુરત જવા નીકળી ગયા હતા. મોડી રાતે તેઓ સુરતની લા મેરિડિયન હોટેલ પહોંચી ગયા હતા, જ્યાં એક પછી એક શિવસેનાના વિધાનસભ્યોને લઈ આવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ રાખવામાં આવી હતી. સુરતથી ગુવાહાટી જવા માટે પણ ચાર્ટર્ડ ફ્લાઇટ સુરત ઍરપોર્ટ પર રાખવામાં આવી હતી અને એના સહિત લા મેરિડિયન હોટેલમાં પણ તમામ વિધાનસભ્યો અને તેમની સાથેના લોકોને પ્રીમિયમ સુવિધા આપવામાં આવી હતી, જેમાં લાખો નહીં, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ તમામ પૈસા આવ્યા ક્યાંથી અને કોણે ખર્ચ કર્યો એની માહિતી લેવા માટે મુલુંડના નેતા જનક કેસરિયાએ સુરત ઍરપોર્ટ ઑથોરિટી પાસે આરટીઆઇ કરીને માહિતી માગી હતી. જોકે સુરત ઍરપોર્ટ ઑથોરિટીએ કોઈ માહિતી ન હોવાનું પત્રમાં જણાવ્યું હતું. જનક કેસરિયા આ જવાબની સામે અપીલમાં ગયા છે.

બીજેપી સાથે છેડો ફાડીને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં જોડાયેલા જનક કેસરિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ચાર્ટર્ડ ફ્લાઇટનું ભાડું કલાકદીઠ લેવામાં આવતું હોય છે અને રાતે ૭ વાગ્યા પછી મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સની પરમિશન વગર ફ્લાઇટને ઑપરેટ કરી શકાતી નથી. બળવાખોર નેતાઓએ પોતાની સાથે ૧૦ દિવસ ચાર્ટર્ડ ફ્લાઇટ રાખી હતી. એટલું જ નહીં, એકનાથ શિંદે સહિતના નેતાઓ મોટા ભાગે રાતે ચાર્ટર્ડ ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા હતા જેનો લાખો રૂપિયા ખર્ચ થયો હતો. આ ખર્ચ કોણે કર્યો અને આ બધા પાછળ કેટલો ખર્ચ થયો એની માહિતી મારી સાથે આખા રાજ્યને જાણવાનો રસ છે એટલે મેં આરટીઆઇ મારફત તમામ માહિતી માગી છે.’

mumbai mumbai news eknath shinde right to information mehul jethva