અભિજિત દીપકેએ ગામોની સરકારી સ્કૂલોને બહેતર બનાવવાનો સંકલ્પ લેવા કરી અપીલ

11 August, 2026 09:25 AM IST  |  Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent

ગામની સ્કૂલોમાં બુનિયાદી સુવિધાઓ સુધારવા માટે સરપંચોને કરી અપીલ ઃ સરકારી સ્કૂલોમાં ભણતાં બાળકોના પેરન્ટ્સને કહ્યું કે સ્કૂલોનું સોશ્યલ ઑડિટ કરીને એનો વિડિયો CJPને મોકલો

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના ફાઉન્ડર અભિજિત દીપકે

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના ફાઉન્ડર અભિજિત દીપકેએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક વિડિયો-સંદેશ દ્વારા ભારતનાં ગામડાંઓની સ્કૂલોમાં સુધાર લાવવા માટેના અભિયાનની શરૂઆત કરી હતી. ગામડાંની સરકારી સ્કૂલોમાં વીજળી, પાણી અને ટૉઇલેટ જેવી બુનિયાદી સુવિધાઓ ઠીક થાય એ માટે આગળ આવીને કામ કરવા માટે તેણે લોકોને આહ્‍‍વાન કર્યું હતું. તેણે વિડિયોમાં કહ્યું હતું, ‘આ ૧૫ ઑગસ્ટે ભારતનો ૮૦મો ઇન્ડિપેન્ડન્સ ડે છે. આટલાં વર્ષોમાં ગામડાંઓની સરકારી સ્કૂલો સૌથી વધુ ઇગ્નૉર થઈ છે. આપણે ગામોની સ્કૂલોમાં કોઈ કામ નથી કર્યું. આપણે નવી પાર્લમેન્ટ બનાવી દીધી, નવું PM હાઉસ બનાવી દીધું પણ કેમ આપણે ગામોમાં નવી સ્કૂલો નથી બનાવી શક્યા? શું એ સ્કૂલોમાં ભણતા ખેડૂતો અને મજૂરોનાં બાળકોને આપણે દેશનું ભવિષ્ય નથી માનતા?’

આજે પણ ગામડાંની સ્કૂલોમાં બાળકોએ ચાલીને જવું પડે છે અને એ પછી પણ ત્યાં વીજળી-પાણીની બેસિક વ્યવસ્થા નથી હોતી એ વિશે અભિજિતે કહ્યું હતું કે ‘આ સ્વતંત્રતાદિવસે એક નવી શરૂઆત કરીએ. હું મારા ગામ હિંગોલી જઈને સરપંચને મળીને રિક્વેસ્ટ કરીશ કે તેઓ ગામની સ્કૂલ ઠીક કરે. હું દરેક સરપંચને અપીલ કરું છું કે સરકારી સ્કૂલોને ઠીક કરો. એમાં સુધાર કર્યા પછી એની તસવીરો અમને મોકલો. CJPના પોર્ટલ પર એ શૅર કરીશું જેથી તમારું કામ જોઈને બીજા સરપંચો પણ પ્રોત્સાહિત થાય.’

પેરન્ટ્સ સોશ્યલ ઑડિટ કરે 
જેમનાં બાળકો સરકારી સ્કૂલોમાં ભણે છે એ તમામ પેરન્ટ્સને અપીલ કરતાં અભિજિતે કહ્યું હતું કે ‘તમારા બાળકની સ્કૂલમાં જાઓ અને જુઓ કે ત્યાં બેસિક સુવિધાઓ છે કે નહીં. વીજળી, પાણી, ટૉઇલેટ, મિડ-ડે મીલ મળે છે કે નહીં. જો એમ ન થતું હોય તો એનો વિડિયો બનાવો. તમારા બાળકને સારું શિક્ષણ મળે એ તમારો ફન્ડામેન્ટલ રાઇટ છે. એ માટે અમે એક ફૉર્મ ઇશ્યુ કરીશું. તમે એ ફૉર્મ ભરીને મોકલો. આપણે સાથે મળીને ગામનાં બાળકોને પ્રૉમિસ કરીએ કે તેમની સ્કૂલ ઠીક કરીશું, કેમ કે સાચું ભારત ગામડાંઓમાં વસે છે.’

mumbai news mumbai cockroach janata party abhijit dipake Education Chhatrapati Sambhaji Nagar