જો સરકાર સખણી નહીં રહે તો એને બદલી નાખીશું

30 July, 2026 07:32 AM IST  |  Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent

પોતાના હોમટાઉન છત્રપતિ સંભાજીનગરમાં પહોંચીને અભિજિત દીપકેએ ચીમકી ઉચ્ચારી

અભિજિત દીપકે

એક મહિના કરતાં વધુ સમય સુધી દિલ્હીના જંતર મંતરમાં આંદોલન કર્યા બાદ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)નો સ્થાપક અભિજિત દીપકે બુધવારે છત્રપતિ સંભાજીનગર પોતાના ઘરે પાછો ફર્યો હતો. છત્રપતિ સંભાજીનગર ઍરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત દરમ્યાન અભિજિતે સરકાર પર નિશાન સાધ્યું હતું અને જો જરૂર પડશે તો ફરીથી આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. 

આંદોલન કરનારા વિદ્યાર્થીઓને સરકાર હેરાન કરી રહી હોવાનો આરોપ મૂકતાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘સરકારે હવે સરખા રહેવું જોઈએ. ૨૦ જુલાઈએ સંસદકૂચ વખતે વિદ્યાર્થીઓનું લોહી રેડાયું એટલું પૂરતું નથી કે સરકાર હજી તેમને હેરાન કરી રહી છે? અનેક રાજ્યોમાં પોલીસ આંદોલન કરનારાઓના ઘરે જઈને તેમને ધરપકડ કરવાની ધમકી આપી રહી છે. આ વિદ્યાર્થીઓ છે, કંઈ આતંકવાદીઓ નથી. એ દેશનું ભવિષ્ય છે.’

ઘરે પાછા આવવાનો આનંદ વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું કે ‘હું આશરે ૪૦ દિવસ બાદ ઘરે પાછો આવ્યો છું. હું ભારત આવ્યો ત્યારથી આંદોલન ચાલુ હતું. દિલ્હીમાં જંતર મંતર પર ૩૬ દિવસ રહ્યો હતો. હું ખુશ છું કે આંદોલન સફળ રહ્યું અને દેશના વિદ્યાર્થીઓની જીત થઈ. હવે હું મારાં માતા-પિતાને મળી શકીશ એનો મને આનંદ છે.’

મોદી વડા પ્રધાનની ખુરસી છોડે અને ઇન્ફ્લુઅન્સર બની જાય: અભિજિત દીપકે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામુ આપવું જોઈએ કે નહીં એવો સવાલ પુછાતાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘તેમણે વડા પ્રધાનની ખુરસી છોડી દેવી જોઈએ અને ઇન્ફ્લુઅન્સર બની જવું જોઈએ. આ કામમાં તેઓ ખૂબ જ માહેર છે.’

mumbai news mumbai abhijit dipake Chhatrapati Sambhaji Nagar indian government cockroach janata party