SSC અને CBSEના દસમા ધોરણના સિતારાઓને મળો

14 May, 2025 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીલ કહે છે, ‘મમ્મી-પપ્પાને પ્રાઉડ ફીલ કરાવવા જેવું રિઝલ્ટ લાવીશ એવું મેં પહેલેથી જ વિચારી લીધું હતું`

(ડાબેથી) રોનિશ શાહ, જીલ સાયર, ધૈર્ય શાહ અને સિધ્ધાર્થ મહેતા

૯૯ ટકા લાવનારા રોનિશ શાહને કરવું છે સ્પેસ એન્જિનિયરિંગ

ભાઈંદર-વેસ્ટમાં રહેતા અને ભાઈંદર-ઈસ્ટની સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની તપોવન વિદ્યાલયમાં ભણેલા રોનિશ શાહે દસમા ધોરણની પરીક્ષા ૯૯ ટકા મેળવીને પાસ કરી છે. હવે તેને આગળ સ્પેસ એન્જિનિયરિંગમાં રસ હોવાથી એ લાઇનમાં આગળ વધવાનો છે. રોનિશના પપ્પા અનિલ શાહે કહ્યું હતું કે ‘રોનિશ પોતાની મેળે જ ભણતો હતો. ક્લાસિસમાં જતો, પણ અમારે તેને ક્યારે એમ નથી કહેવું પડ્યું કે ભણવા બેસ. તે પોતાની મેળે જ એનું ભણવાનું કરી લે. તે મોબાઇલ પણ જોતો હોય, ક્રિકેટ પણ રમવા જાય. એમાં પણ તે સારો ખેલાડી છે અને ઘણી બધી ટ્રોફી જીતી છે. તે જે કરે એ પૂરા ડેડિકેશન સાથે કરે એટલે સફળ થાય છે. નાનપણથી જ તે ૧થી ૩ની વચ્ચે રૅન્ક લાવતો રહ્યો છે. તેને આગળ જઈ સ્પેસ એન્જિયરિંગને લગતી લાઇન લેવી છે એટલે હાલ તે સાયન્સ લેવાનો છે. તેના સાયન્સના ક્લાસિસ પણ ચાલુ થઈ ગયા છે

માર્કશીટ
ઇંગ્લિશ    ૯૯
સંસ્કૃત    ૯૯
મરાઠી    ૯૫
મૅથેમૅટિક્સ    ૧૦૦
સાયન્સ     ૯૮
સોશ્યલ સાયન્સિસ    ૯૯ 

ટ્યુશન વગર સિદ્ધાર્થ મહેતાએ ૯૮.૮ ટકા મેળવ્યા

ભાંડુપ-વેસ્ટમાં રહેતા CBSEની ડી.એ.વી. પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી સિદ્ધાર્થ મહેતાએ બેસ્ટ ઑફ ફાઇવ મુજબ ૯૮.૮ ટકા મેળવ્યા છે. કોઈ પણ કોચિંગ વગર જાતે મહેનત કરીને સિદ્ધાર્થે આ સફળતા મેળવી છે. IITમાં ભણીને તેને રિસર્ચ ફીલ્ડમાં કરીઅર બનાવવાની ઇચ્છા છે. કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ધરાવતા સિદ્ધાર્થનાં પપ્પા-મમ્મી સંજય મહેતા અને બીના મહેતાએ જણાવ્યું હતું કે ‘નાનપણથી જ સિદ્ધાર્થ ભણવામાં હોશિયાર છે. તેને ક્યારેય ક્લાસિસ કે ટ્યુશનની જરૂર પડી નથી. સ્કૂલમાંથી ભણીને આવે પછી તેની મરજી હોય એ મુજબ ક્યારેક વધારે તો ક્યારેક ઓછું ભણે. અમારે તેને ક્યારેય ભણવા બાબતે ટોકવો નથી પડ્યો. તેના ધાર્યા મુજબનું જ રિઝલ્ટ આવ્યું એટલે અમે ખુશ છીએ.’ સિદ્ધાર્થને બૅડ્‍મિન્ટન રમવું ગમે છે અને વાંચનનો પણ ખૂબ શોખ છે. સિદ્ધાર્થ સારો રાઇટર છે અને તેણે અમુક બુક્સ પણ લખી છે.

માર્કશીટ
ઇંગ્લિશ     ૯૩ 
સંસ્કૃત     ૧૦૦ 
મૅથેમૅટિક્સ     ૯૯ 
સાયન્સ     ૯૯ 
સોશ્યલ સાયન્સ     ૯૭ 

જીલ સાયરે મમ્મી-પપ્પાને પ્રાઉડ ફીલ કરાવવા મહેનત કરીને મેળવ્યા ૯૬.૨ ટકા

બોરીવલી-વેસ્ટમાં રહેતી એમ. કે. વી. વી. ઇન્ટરનૅશનલ વિદ્યાલયની વિદ્યાર્થિની જીલ સાયરે CBSE બોર્ડની ટેન્થની એક્ઝામમાં બેસ્ટ ઑફ ફાઇવ મુજબ ૯૬.૨ ટકા મેળવ્યા છે. જીલ કહે છે, ‘મમ્મી-પપ્પાને પ્રાઉડ ફીલ કરાવવા જેવું રિઝલ્ટ લાવીશ એવું મેં પહેલેથી જ વિચારી લીધું હતું અને મારા કૅલિબર પર પણ મને વિશ્વાસ હતો કે હું ૯૫ ટકા તો લાવી જ શકું. આ બે વાત આખું વર્ષ મને મોટિવેટ કરતી રહી. મારે નેક્સ્ટ બૅચના સ્ટુડન્ટ્સને કહેવું છે કે જો કન્સિસ્ટન્સીથી મહેનત કરીએ તો ૯૦ પ્લસ ટકા લાવવા ઈઝી છે.’ જીલનાં મમ્મી-પપ્પા બીજલ અને હિતેશ સાયરે કહ્યું હતું કે ‘અમને સંતોષ અને આનંદ બન્ને આપ્યા છે જીલે આટલા સારા માર્ક્સ લાવીને. થૅન્ક યુ જીલ.’ જીલ ફોન અને ટીવીના સ્ક્રીન-ટાઇમથી દૂર રહી પોતાની રીતે દરેક વિષયનો ટાઇમ મૅનેજ કરીને ભણતી હતી. ફ્રી ટાઇમમાં પેઇન્ટિંગ કરવું તેને ગમે છે. ડેટા સાયન્સ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગને કરીઅર તરીકે પસંદ કરવાની તેની ઇચ્છા છે.

માર્કશીટ
ઇંગ્લિશ     ૯૭ 
હિન્દી     ૯૯ 
મૅથેમૅટિક્સ     ૯૨ 
સાયન્સ     ૯૪ 
સોશ્યલ સાયન્સિસ     ૯૩ 
ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી     ૯૮

​બોરીવલીના ધૈર્ય શાહે રેગ્યુલર સ્ટડી કરીને મેળવ્યા ૯૬ ટકા

બોરીવલીના દૌલતનગરમાં રહેતા અને SSC બોર્ડની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં ભણતા ધૈર્ય શાહે બેસ્ટ ઑફ ફાઇવ મુજબ ૯૬ ટકા મેળવ્યા છે. ધૈર્ય હવે કૉમર્સ લઈને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માગે છે. તેની આ સફળતા વિશે માહિતી આપતાં તેનાં માસી હિના શાહે કહ્યું હતું કે ‘ધૈર્ય પહેલેથી જ શાંત સ્વભાવનો અને હોશિયાર છે. તેની સ્કૂલમાં તે સેકન્ડ આવ્યો છે. તેણે રેગ્યુલર સ્ટડી કરી ફોકસ કરીને આ સિદ્ધિ ​મેળવી છે. ધૈર્યની ઇચ્છા નરસી મોનજી કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં ઍડ્‍મિશન લેવાની છે.’ 

માર્કશીટ
ઇંગ્લિશ    ૮૭
હિન્દી-ફ્રેન્ચ    ૯૫
મરાઠી    ૯૫
મૅથેમૅટિક્સ    ૯૪
સાયન્સ અૅન્ડ ટેક્નૉલોજી     ૯૭
સોશ્યલ સાયન્સિસ    ૯૬

mumbai news mumbai gujarati community news gujarati medium school gujaratis of mumbai Education central board of secondary education 10th result