26 December, 2025 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિલે પાર્લે-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીકની એક સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષના આંગડિયાના ગુજરાતી વેપારી પાસેથી વાતચીત દરમ્યાન ૮૦ લાખ રૂપિયાની રોકડ સેરવી ગયેલા આરોપીની વિલે પાર્લે પોલીસે ધરપકડ કરી છે. બૅન્ગલોરના એક વેપારીના નામે ગુજરાતી વેપારીને ફોન કર્યા બાદ પૈસા લેવા તેના ઘરે એક યુવક આવ્યો હતો. પાર્લાના વેપારી બૅન્ગલોરના વેપારીને ફોન કરીને આવનાર યુવક વિશે ખાતરી કરે એ પહેલાં યુવક ૮૦ લાખ રૂપિયાની રોકડ ભરેલી બૅગ લઈને પલાયન થઈ ગયો હતો. એ પછી છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે આરોપીની ગુજરાતથી ધરપકડ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
વિલે પાર્લેના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ગબાજી ચિમટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંધેરીમાં આંગડિયાનું કામ કરતા વેપારીને શુક્રવારે બપોરે બૅન્ગલોરના એક વેપારીએ ફોન કરીને ૮૦ લાખ રૂપિયા માગ્યા હતા અને એ પૈસા તાત્કાલિક જોઈતા હોવાનું કહીને મુંબઈમાં પૈસા લેવા આવનાર વ્યક્તિનો ફોન-નંબર આપ્યો હતો. એ પછી એક કલાક બાદ એક યુવકે આંગડિયાનો વ્યવસાય કરતા વેપારીને ફોન કરીને ‘બૅન્ગલોરના વેપારીએ તમારી પાસેથી પૈસા લેવાનું કહ્યું છે’ એવો દાવો કરીને પૈસા લેવા ક્યાં આવવાનું છે કહીને સરનામું માગ્યું હતું. એ વખતે વેપારીએ પોતાના ઘરનું સરનામું આપ્યું હતું. ગયા શુક્રવારે સાંજે પાંચ વાગ્યે એક યુવક પાર્લાના વેપારીના ઘરે આવ્યો અને તેણે તેને ફોન કર્યો. એ પછી વેપારીની પત્ની સાથે વાત કરાવી એટલે વેપારીએ પત્નીને આવનાર વ્યક્તિને પૈસા આપવાનું કહ્યું. એ પછી વેપારીએ બૅન્ગલોરના વેપારીને આવનાર વ્યક્તિને પૈસા આપી દીધા હોવાનો મેસેજ કરી દીધો. જોકે બૅન્ગલોરના વેપારીએ કોઈ માણસ નથી મોકલ્યો એવું કહેતાં વેપારીએ તાત્કાલિક પત્નીને ફોન કરીને પૈસા આપવાની ના પાડી દીધી. જોકે ત્યાં સુધી પૈસા લેવા આવેલો માણસ પૈસા ભરેલી બૅગ લઈ ચાલ્યો ગયો હતો. અંતે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં તેમણે ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અમે એક આરોપીની ગુજરાતથી ધરપકડ કરી છે.’