26 October, 2026 09:23 AM IST | Mumbai | Samiullah Khan
પોલીસની ટીમે આરોપી અજય કુમારને પકડીને કસ્ટડીમાં લીધો હતો.
બ્લુ રંગની પાણીની બૉટલ અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા કરાયેલા ૨૦ રૂપિયાના ઑનલાઇન પેમેન્ટે વાકોલા પોલીસને સાંતાક્રુઝ-ઈસ્ટમાં ગર્ભવતી મહિલા સાથે થયેલી ચેઇન-સ્નેચિંગની ઘટનાનો ભેદ ઉકેલવામાં મોટી મદદ કરી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બાવીસ વર્ષના યુવકને દાદરા અને નગર હવેલીના સેલવાસમાંથી ઝડપી લીધો છે.
આ ઘટના ૭ ઑક્ટોબરે બની હતી, જ્યારે ૩૧ વર્ષની સગર્ભા મહિલા નોકરી પરથી ઘરે પાછી ફરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ દત્ત મંદિર રોડ નજીક આવેલા ડિમેલો કમ્પાઉન્ડ પાસેની એક ગલીમાં મહિલાનો પીછો કર્યો હતો અને તેના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઝૂંટવીને નાસી છૂટ્યો હતો.
ઘટનાસ્થળ નજીકની દુકાનોના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની ઝીણવટભરી તપાસ દરમ્યાન પોલીસને એક મહત્ત્વપૂર્ણ કડી મળી હતી. કેટલાંક ફુટેજમાં શંકાસ્પદ આરોપી બ્લુ રંગની પાણીની બૉટલ સાથે જોવા મળ્યો હતો, જ્યારે એના થોડા સમય પહેલાંનાં રેકૉર્ડિંગ્સમાં તેના હાથ ખાલી હતા.
આ કડી મળતાં જ તપાસટીમે આસપાસની દુકાનોમાં તપાસ કરી હતી, જેમાં એક દુકાનના ફુટેજમાં આરોપી પાણીની બૉટલ ખરીદતો જોવા મળ્યો હતો. ફુટેજમાં તે દુકાનદારને UPI મારફત પેમેન્ટ કરતો પણ કેદ થયો હતો. CCTV કૅમેરા ફુટેજના ટાઇમસ્ટૅમ્પ સાથે દુકાનદારની ટ્રાન્ઝૅક્શન હિસ્ટરીને મૅચ કરીને પોલીસે ૨૦ રૂપિયાના પેમેન્ટની ચોક્કસ વિગતો શોધી કાઢી હતી. ત્યાર પછી ટ્રાન્ઝૅક્શન સાથે જોડાયેલી નો યૉર કસ્ટમર (KYC) વિગતો મેળવીને આરોપીનો મોબાઇલ-નંબર ટ્રેસ કરવામાં આવ્યો હતો.
મોબાઇલ લોકેશનના આધારે પોલીસની એક ટીમ સેલવાસના રખોલી પહોંચી હતી, જ્યાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ કેસની તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરોપીનો અગાઉનો કોઈ ક્રિમિનલ રેકૉર્ડ નહોતો. અમે તેનાં CCTV કૅમેરાનાં ફુટેજ મુંબઈનાં તમામ પોલીસ-મથકોમાં મોકલ્યાં હતાં, પરંતુ શરૂઆતમાં કોઈ લીડ મળી નહોતી. અંતે આ બ્લુ બૉટલ અને ૨૦ રૂપિયાના UPI ટ્રાન્ઝૅક્શને તેની સાચી ઓળખ મેળવીને તેને સેલવાસથી પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.’