દાદા ગુરુની કૃપાથી હું પાકિસ્તાન આવી શક્યો

26 May, 2023 09:37 AM IST  |  Mumbai | Alpa Nirmal

પંજાબ કેસરી તરીકે જાણીતા વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરીશ્વરજી મહારાજસાહેબે ગઈ કાલે પાકિસ્તાનના ગુજરાંવાલા ખાતે આવેલા ગુરુ આત્મારામજીના સમાધિસ્થળે દર્શન, વંદન અને ભક્તિ કર્યાં

ગઈ કાલે પાકિસ્તાનના ગુજરાંવાલામાં ગુરુ આત્મારામજીના સમાધિસ્થળે જૈનાચાર્ય ધર્મધુરંધર સૂરીશ્વરજી મહારાજસાહેબ અન્ય મૂનિ અને શ્રાવકો સાથે.


મુંબઈ : રવિવાર, ૨૧ મેએ ગોલ્ડન ટેમ્પલ સિટી અમ્રિતસરની વાઘા બૉર્ડરથી શાંતિ, અહિંસા અને સૌહાર્દનો સંદેશ લઈને જૈનાચાર્ય ધર્મધુરંધરસૂરી મ.સા.એ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. પાંચ દિવસમાં ૯૫ કિલોમીટરનો ઉગ્ર વિહાર કરીને મહારાજસાહેબ અને અન્ય ત્રણ સાધુમહારાજ ગઈ કાલે ગુજરાંવાલામાં આવેલી તેમના દાદા ગુરુ આત્મારામજી મહારાજ (આચાર્ય વિજયાનંદસૂરિ મ.સા.)ની સમાધિના સ્થળે પહોંચ્યા હતા. પંજાબમાં જૈન ધર્મનો પ્રસાર કરનાર ગુરુને જે સ્થળે અગ્નિદાહ અપાયો હતો એ સ્મારકને જોઈને આચાર્ય ધર્મધુરંધરસૂરિ મ.સા. ભાવુક થઈ ગયા હતા. મુનિભગવંતોએ સંકુલમાં પ્રવેશીને સૌપ્રથમ પરિસરના મધ્યમાં રહેલા પાંચ ગુબજયુક્ત સ્મારકની ભાવથી પ્રદક્ષિણા કરી હતી. ત્યાર બાદ અંદર પ્રવેશીને એ ઇમારતના કેન્દ્રસ્થાનને વંદન અને પૂજન કરીને ગુરુના નામની અંખડ ધૂન બોલાવીને ભક્તિગીતો ગાયાં હતાં. પૂજ્ય સાધુમહારાજ સાથે ભારતથી ગયેલા ૨૦ શ્રાવકો પણ અહીં પહોંચ્યા હતા. આચાર્ય મહારાજે સમાધિસ્થળે બેસીને કહ્યું હતું કે સમસ્ત પંજાબના જૈન સંઘોની શુભેચ્છાઓ અને દાદા ગુરુની કૃપાથી હું અહીં સુધી આવી શક્યો છું. પંજાબના જૈન ભક્તો અને સર્વે સાધુસમુદાય તરફથી ગુરુદેવ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવીને તેમણે જણાવ્યું હતું કે ‘આત્મારામજી મહારાજ એક સૂર્ય સમાન હતા. જેમ સૂર્યનો ઉદય થતાં અંધકારનો નાશ થાય એ રીતે તેમણે મનુષ્યના દિલ-દિમાગમાં રહેલા દુરાગ્રહો, અજ્ઞાનતા, અહમરૂપી અંધકારને પોતાની જ્ઞાનરાશિ વડે મિટાવ્યાં છે. શ્રી વીરપ્રભુએ રચેલાં આગમનાં વચનો, તથ્યો અમને સમજાવ્યાં છે, જિનેન્દ્ર પરમાત્માનો પરિચય કરાવ્યો છે, સાધુ સમાચારી અને જીવનવ્યવહાર શીખવ્યો છે.’ 
એ સાથે ધર્મધુરંધરસૂરિ મ.સા.એ ઉમેર્યું હતું કે વિજયાનંદસૂરિ મહારાજે જીવ્યા ત્યાં સુધી ધર્મનો અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો છે.


આત્માનંદજી સમાધિ સંકુલની મધ્યમાં પૂજ્યશ્રીનું સ્મારક છે. એની આજુબાજુ ડેલાની બૉર્ડરને અડીને ધર્મશાળા જેવી દેખાતી નાની ઇમારતો છે. એક સાઇડની ત્રણ-ચાર રૂમો છોડીને બાકીનું બધું જ ખસ્તા હાલતમાં છે. મુખ્ય સ્મારક પણ કાળજીના અભાવે થોડું જીર્ણ થઈ ગયું છે. જૈન હેરિટેજ ફાઉન્ડેશનના અશ્વિની જૈન ગયા વર્ષે ફૅમિલી સાથે અહીં દર્શનાર્થે આવ્યા હતા અને તેમણે પાકિસ્તાન સરકાર અને માઇનોરિટી ઑફિસરોને મળીને આ હેરિટેજ સાઇટનું રિનોવેશન કરાવવાની માગણી કરી હતી તેમ જ પાકિસ્તાનનાં અન્ય ગામોમાં રહેલાં જૈન મંદિરોનું ટૂરિઝમ શરૂ કરવાની વાત પણ કરી હતી. અશ્વિનીભાઈએ ગયા વર્ષે ફાઉન્ડેશનના ઉપક્રમે અહીં રિનોવેશન પણ ચાલુ કરાવ્યું હતું. જૈન આચાર્ય ધર્મધુરંધરસૂરિ મહારાજને આ દિને ગુજરાંવાલાનાં દર્શનાર્થે લઈ આવવામાં પણ અશ્વિનીજીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
બે દિવસ બાદ ૨૮ મે જેઠ સુદ આઠમે પૂજ્ય વિજયાનંદસૂરિ મહારાજની સ્વર્ગારોહણ તિથિ છે એ નિમિત્તે ગુરુભગવંતો અને શ્રાવકગણ સ્મારકસ્થળે પૂજ્યશ્રીની ભક્તિ સાથે પ્રભુભક્તિનો કાર્યક્રમ પણ કરશે.

mumbai news pakistan