TCS કેસમાં આરોપી નિદા ખાનને શરણ આપનારા પર કાર્યવાહી

14 May, 2026 07:52 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

નગરસેવક મતીન પટેલના ઘર અને ઑફિસ પર ફર્યું બુલડોઝર

ગઈ કાલે સવારે ૬ વાગ્યે મતીન પટેલનું ઘર તોડી પાડવાની કાર્યવાહી થઈ હતી.

નાશિકના તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) કેસની આરોપી નિદા ખાનને અને તેના કુટુંબીજનોને શરણ આપવાના આરોપનો સામનો કરી રહેલા છત્રપતિ સંભાજીનગરના નગરસેવક મતીન પટેલ વિરુદ્ધ મ્યુનિસિપલ કૉર્પોરેશને કાર્યવાહી કરી હતી અને તેના ઘર તેમ જ ઑફિસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. 

મતીન પટેલનું ઘર નાળાની નજીક છે અને ગેરકાયદે છે એવું કારણ આપીને એને તોડી પડાયું હતું. બુધવારે વહેલી સવારે ૬ વાગ્યે કાર્યવાહી કરવામાં આવી હતી. મતીન પટેલ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)નો નગરસેવક છે અને પક્ષના કદાવર નેતા મનાતા ઇમ્તિયાઝ જલીલની નિકટનો માનવામાં આવે છે. 

TCSમાં ધર્માંતરણનું કૌભાંડ બહાર આવ્યું ત્યાર બાદ આરોપી નિદા ખાન પચીસ દિવસ સુધી ફરાર હતી અને એ દરમ્યાન તેણે મતીન પટેલના ઘરે આશરો લીધો હોવાનો આરોપ છે.  પોલીસના મતે મતીન પટેલે આરોપી વિરુદ્ધ કાર્યવાહી થતી અટકાવવા તેને બચાવીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. 

મતીન પટેલને અમે ઘર બનાવી આપીશું : ઇમ્તિયાઝ જલીલ
મતીન પટેલ વિરુદ્ધ થયેલી કાર્યવાહીને ખોટી ગણાવતાં ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે ‘જેનું ઘર તોડી પાડવામાં આવ્યું છે તેને હું એટલું જ કહીશ કે તેનું ઘર ફરી બાંધી આપવાની જવાબદારી મારી છે. લોકો દસ-દસ રૂપિયાનો ફાળો આપીને ઘર બનાવશે. જેની વિરુદ્ધ કાર્યવાહી થઈ છે તે દોષી પુરવાર થયો જ નથી.’ 

mumbai news mumbai tcs tata group Crime News nashik