18 October, 2026 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારત છોડવાની નોટિસ સામે ઇમરાન ખાન
અભિનેતા ઇમરાન ખાને ફૉરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO)ની લીવ ઇન્ડિયા નોટિસ (LIN) સામે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. સામે FRROએ શનિવારે ઇમરાનને એક શો-કૉઝ નોટિસ મોકલી હતી, જેમાં જણાવાયું હતું કે નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 7D(e) હેઠળ તેનુું ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડધારક તરીકેનું રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે; આ નિર્ણય તેના દ્વારા આપવામાં આવનારા ખુલાસા અને પુરાવાઓના આધારે લેવામાં આવશે.
ઇમરાન ખાનને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. ઇમરાન ખાને આ નોટિસને બંધારણવિરોધી ગણાવી છે. ઇમરાન ખાને કોર્ટ પાસે આ નોટિસને રદ કરવાની માગણી કરી છે. એની સાથે જ્યાં સુધી તેની અરજી પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આ નોટિસના અમલીકરણ પર તાત્કાલિક સ્ટે લગાવવાની પણ માગણી કરી છે.
અરજીમાં કોર્ટ પાસે વચગાળાની રાહતની પણ માગણી કરવામાં આવી છે, જેથી અધિકારીઓને કોઈ પણ કડક કે દબાણયુક્ત પગલાં લેતાં રોકી શકાય. આ પગલાંઓમાં દેશનિકાલ (deportation), લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવું, બ્લૅકલિસ્ટ કરવું અથવા તેના OCI દરજ્જા સામે કોઈ કાર્યવાહી કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. ઇમરાન ખાને દાવો કર્યો છે કે આ LIN સદ્ભાવનાપૂર્ણ નથી અને એ સત્તાના મનસ્વી અને અત્યંત અપ્રમાણસર દુરુપયોગ દ્વારા ઇશ્યુ કરવામાં આવી છે.