ગડચિરોલીમાં હાથીઓની વાપસીથી વનપ્રેમીઓ આનંદિત અને ઉત્સાહિત

24 October, 2021 09:44 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

દાયકાઓ પછી અહીં ૨૦ જેટલા હાથી અને હાથીનાં કેટલાંક બચ્ચાં જોવા મળ્યાં હતાં

ફાઈલ તસવીર

ગડચિરોલીમાં હાથીનું ટોળું દેખાતાં મહારાષ્ટ્રના વનપ્રેમીઓ અત્યંત આનંદિત અને ઉત્સાહિત જોવા મળ્યા છે. આ વિસ્તારમાં દાયકાઓ પછી હાથીઓનું પુનરાગમન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં સૌથી ગાઢ વનો ગડચિરોલી જિલ્લામાં આવેલાં છે, પણ ત્યાં હાથીનો રહેવાસ નથી. વનવિભાગના એક અધિકારીનું કહેવું છે કે ગડચિરોલીમાં દેખાયેલા હાથીનાં ટોળાં છત્તીસગઢમાંથી સ્થળાંતરિત થઈને આવ્યાં છે.

મુરુમગાંવથી મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદના રસ્તાની વચ્ચે ધનોરા તાલુકાનાં જંગલોમાં ૧૬થી ૨૦ હાથીનું ટોળું જોવા મળ્યું હતું. ગડચિરોલીના વનસંરક્ષક કિશોર માંકરનું કહેવું છે કે ‘ચારથી પાંચ દિવસ પહેલાં અમને માહિતી મળી હતી કે જંગલમાં હાથીઓનું ટોળું દેખાયું છે. ગડચિરોલી જિલ્લાના ધનોરા તહસીલમાં કન્નારાગાંવ પાસેનાં જંગલોમાં આ ટોળું દેખાયું હતું. ૧૬ જેટલા હાથીના ટોળામાં બેથી ત્રણ નાનાં મદનિયાં પણ હતાં. હાથી આ વિસ્તારનાં જંગલોમાં વિચરી રહ્યા હતા. આ હાથીનું ટોળું પાડોશી રાજ્ય છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લાનાં જંગલોમાંથી પ્રવાસ કરીને આવ્યું છે.’

વનવિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘હાથીઓના હલનચલન પર કાળજીપૂર્વક નજર રાખવામાં આવી રહી છે. જંગલોની નજીકનાં ગામોમાં અને હાથી જ્યાં ફરી રહ્યા છે ત્યાંનાં ગામોમાં ખાસ જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે.’

હાથીઓ વિવશ થઈને મહારાષ્ટ્રમાં આવ્યા?

વનપ્રેમીઓમાં એવી વાતોએ પણ જોર પકડ્યું છે કે હાથીઓનું ટોળું લાચાર બનીને મહારાષ્ટ્રમાં આવ્યું છે. છત્તીસગઢમાં ખાણકામ અને ખનનને કારણે જંગલો ખંડિત થઈ રહ્યાં હોવાની ફરિયાદો ઊઠી છે. એ જ કારણે હાથીઓ ત્યાંનાં જંગલો છોડવા મજબૂર બન્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. છત્તીસગઢમાં તો માણસ અને હાથી વચ્ચે સંઘર્ષના કિસ્સા પણ સામે આવ્યા હતા.

હાથી-સંરક્ષણ સાથે સંકળાયેલા કાર્યકર અર્જુન કંદાર કહે છે કે ‘એશિયાઈ હાથી એવાં જૂજ વિશાળકાય પશુઓમાંના એક છે જેમનો વ્યાપ ૨૧મી સદીમાં પણ વધતો જોવા મળી રહ્યો છે. પોતાના ઐતિહાસિક રહેઠાણમાં આ હાથીઓ પુનઃવસવાટ કરી રહ્યા છે. હાથીની આસપાસ રહેવા ન ટેવાયેલા સ્થાનિક રહેવાસીઓને હવે નવા ઘડાયેલા પરિસરમાં રહેવા માટેની તમામ મદદ કરવી ખૂબ જરૂરી છે.’

mumbai mumbai news ranjeet jadhav