સાધના પટેલની સાથે પૅરિસમાં શું થયું હતું?

16 June, 2022 09:39 AM IST  |  Mumbai | Diwakar Sharma

રશિયાથી પતિ શૈલેષ પટેલ સાથે ગેરકાયદે ફ્રાન્સમાં ઘૂસેલી સાધનાની બૉડી પૅરિસ પાસેથી મળી: તેના પતિનો હાલ કોઈ સંપર્ક નથી થઈ: મુંબઈમાંનો પરિવાર કહે છે કે સાધના આત્મહત્યા તો કરે જ નહીં: ભારતીય ડિપ્લોમેટ્સ દ્વારા તેમની કોઈ પણ પ્રકારની મદદ કરવામાં નથી આવતી

સુખી દિવસો દરમ્યાન દંપતી (ડાબે ઉપર), મલાડમાં સાધના પટેલનો પરિવાર (ડાબે નીચે), પતિ સાથે ઝઘડો થયા બાદ સાધના પટેલ ચૅરિટી હોમમાં જ રહેતી હતી (જમણે)

ચોથી એપ્રિલે પૅરિસ પાસેના ટ્રેલ-સુ-સેન નજીક આવેલી નદીમાં મુંબઈની બ્યુટિશ્યનના મળેલા મૃતદેહ બાદ ફ્રેન્ચ પોલીસે તપાસ શરૂ કરી છે. મરનાર ૩૧ વર્ષની સાધના પટેલ અને તેનો પતિ શૈલેષ પટેલ ૨૦૧૮માં વાયા રશિયા અને જર્મની થઈને ગેરકાયદે રીતે ફ્રાન્સમાં પ્રવેશ્યાં હતાં. જોકે શૈલેષે તેની મારપીટ કરતાં તે અલગ થઈ ગઈ હતી. સાધનાના પરિવારના જણાવ્યા પ્રમાણે શૈલેષ હાલ કોઈ પણ પ્રકારના સંપર્કમાં નથી. વળી ડિપ્લોમેટ્સ દ્વારા પણ કોઈ મદદ મળી નથી રહી.

સાધનાની માતા શાલિની લબાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમને કેન્યાના વીઝા મળ્યા હતા, પરંતુ એજન્ટ તેમને રશિયા લઈ ગયો હતો. ત્યાં તેમણે છ મહિના જેલમાં રહેવું પડ્યું હતું. ત્યાર બાદ તેઓ વાયા જર્મની થઈને પૅરિસ પહોંચ્યા હતા, પરંતુ તેમના મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ રશિયાની સરકારે જપ્ત કરી લીધા હતા. વૈવાહિક વિવાદો બાદ સાધના ચૅરિટી હોમમાં અલગ રહેવા લાગી ત્યારે જ અમને આ બધી બાબતોની ખબર પડી હતી.’

સાધનાના ભાઈ ગૌરવ લબાડેએ કહ્યું હતું કે ‘તે રોજ વૉટ્સઍપ પર મમ્મી સાથે ત્રણ વખત વાત કરતી હતી. છેલ્લે તેણે ચોથી માર્ચે ફોન કર્યો હતો. ત્યાર બાદ તેણે અમારો સંપર્ક કર્યો નથી.’

હાલ અમદાવાદમાં રહેતો તેનો ભાઈ માતાને મદદ કરવા માટે મુંબઈ આવ્યો છે. તે આ મામલે ફ્રેન્ચ કૉન્સ્યુલેટની ઑફિસમાં પણ મદદની આશાએ મમ્મી સાથે જઈ આવ્યો હતો. 
મલાડ-ઈસ્ટમાં રહેતી તેની બહેન મનીષા શાહે કહ્યું હતું કે ‘સાધના હંમેશાં મોડી રાત્રે ફોન કરતી, પરંતુ ચોથી માર્ચે રાતના ૧૨ બાદ કોઈ ફોન આવ્યો નથી. વળી ત્યાર બાદ તેનો ફોન પણ બંધ થઈ ગયો હતો.’

ગૌરવે વધુમાં કહ્યું હતું કે ‘સાધનાનો સંપર્ક થઈ ન શકતાં મારા પરિવારે શૈલેષનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે કહ્યું કે તે ચૅરિટી હોમમાં રહે છે. ત્યાર બાદ તેનો ફોન પણ બંધ થઈ ગયો હતો. તેથી અમે લંડનમાં રહેતા તેના ભાઈનો સંપર્ક કર્યો તો તેણે કહ્યું કે તેનો ભાઈ એક મહિના કરતાં વધુ સમયથી પોર્ટુગલમાં રહે છે.’ ગૌરવે પહેલાં અમદાવાદની લોકલ પોલીસની મુલાકાત લીધી હતી, પરંતુ ત્યાંથી કોઈ મદદ મળી નહોતી.

સાધનાના પિતરાઈ ભાઈ પ્રેમે પૅરિસના ભારતીય દૂતાવાસને મેઇલ કરતાં વાત આગળ વધી હતી. ૨૪ મેએ ભારતીય દૂતાવાસે સાધનાનું મૃત શરીર મળ્યું હોવાની માહિતી આપી હતી. ફ્રેન્ચ પોલીસ કહ્યું હતું કે સાધના ચોથી માર્ચથી ગુમ થઈ હતી તેમ જ શહેર નજીકની નદીમાંથી ચોથી એપ્રિલે મૃતદેહ મળ્યો હતો. પોલીસે પોસ્ટમૉર્ટમ કરવા છતાં મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી. ફ્રેન્ચ પોલીસે તપાસ શરૂ કરી હતી.  સાધનાની બહેન મનીષાએ કહ્યું કે મૃત શરીર મળ્યા બાદ ફૉરેન્સિક ટીમ ૧૮ મેએ ચૅરિટી હોમમાં ગઈ હતી, જ્યાં તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હેરબ્રશના વાળના આધારે તેની ઓળખ પાકી કરવામાં આવી હતી. જોકે પરિવારને હજી સુધી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મળ્યો નથી. તેના મૃત શરીરને ભારત લાવવા માટે ૫૦૦૦ યુરો એટલે કે અંદાજે ચાર લાખ રૂપિયા ચૂકવવા પડે એમ છે. પૅરિસના કયા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ થાય છે એ પણ તેમને ખબર નથી.

સાધનાની મમ્મી શાલિનીના મતે તે આત્મહત્યા કરે એવી નહોતી એટલે ચોક્કસ કંઈક અજુગતું બન્યું હોવું જોઈએ.   

ટાઇમ-લાઇન 
૪ માર્ચ : સાધનાએ મમ્મી સાથે છેલ્લે વાત કરી.
૬ માર્ચ : વૉટ્સઍપમાં તે છેલ્લે ઍક્ટિવ હતી. 
૪ એપ્રિલ : ટ્રેલ-સુ-સેન શહેરની નજીક આવેલી નદીમાંથી તેની લાશ મળી હતી. 
૧૮ મે : સાધના જ્યાં રહેતી હતી એ ચૅરિટી હોમમાં ફ્રેન્ચ પોલીસ પહોંચી અને તેના વાળ દ્વારા ઓળખ પાકી કરી.
૨૪ મે : પૅરિસના ભારતીય રાજદૂતાવાસે પરિવારને જાણકારી આપી. 

mumbai mumbai news Crime News africa paris diwakar sharma