04 July, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલનારાઓ સાથે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો મારપીટ કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં કાર્યકરોના આવા અસમાજિક વર્તનને લીધે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે) મોખરે હતી પણ હવે તેમની સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી પણ જોડાઈ એવું લાગી રહ્યું છે, કારણ કે શિવસેના યુબીટીના એક નેતાએ પણ વેપારીને મરાઠી ન બોલવા બદલ થપ્પડ મારી છે. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અને ફરી વિવાદ શરૂ થયો છે.
મરાઠી ભાષા વિવાદમાં વધુ એક ચોંકાવનારા કિસ્સામાં, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) ના ભૂતપૂર્વ સાંસદ રાજન વિચારેએ વેપારીઓને તેની ઑફિસમાં બોલાવ્યો હતો. આ દરમિયાન વિચારેના સમર્થકો દ્વારા આ વેપારીને માર મારવામાં આવ્યો હતો અને મરાઠી ન બોલવા બદલ માફી માગવા માટે પણ બળજબરી કરવામાં આવી હતી. X પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, વિચારે અને તેમના કાર્યકરોએ વારંવાર વેપારીઓને ફક્ત મરાઠીમાં જ વાતચીત કરવાની માગ કરી હતી, જેનાથી વેપારી સમુદાયની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે.
મીરા-ભાયંદરમાં પણ સમાન ઘટના
આ ચિંતાજનક ઘટના મીરા-ભાયંદરમાં પણ બાઈ હતી, જેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ ગ્રાહકો સાથે વાતચીત કરતી વખતે મરાઠીનો ઉપયોગ ન કરવા બદલ એક રેસ્ટોરન્ટ માલિક પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો. ભાષાના નામે વધતી ધમકીઓ અને હિંસાના વિરોધમાં મીરા-ભાયંદરના વેપારી સમુદાયે ઝડપથી પ્રતિક્રિયા આપી હતી, ઘણી દુકાનો બંધ કરાવી હતી.
મુંબઈમાં ભાષા વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ; મરાઠી ન બોલતાં ગુજરાતી વેપારીને લાફો મારતાં વેપારીઓએ દુકાનો બંધ રાખી કર્યો વિરોધ, અહીં જુઓ વીડિયો
૩ જુલાઈએ સવારે, MNS ના હુમલા બાદ, મીરા-ભાયંદરમાં દુકાનોના શટર બંધ રહ્યા હતા, ઉજ્જડ શેરીઓ અને બંધ બજારોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. વેપારીઓએ તેમની સલામતી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે આવી ઘટનાઓ સાંપ્રદાયિક સંવાદિતા અને વ્યવસાયિક ભાવનાને નુકસાન પહોંચાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓને લઈને બન્ને પાર્ટીઓ મનસે અને શિવસેના યુબીટીના વડા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આ સાથે રાજ્યની મહાયુતિ સરકારના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર તરફથી પણ કાર્યવાહી કરવા મામલે કોઈ નિવેદન આવ્યું નથી.