સાકીનાકા રેપ-કેસ બાદ પોલીસ સફાળી જાગી

14 September, 2021 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓની સુરક્ષાને પ્રાયોરિટી આપવા કમિશનર હેમંત નગરાળેનો દરેક પોલીસ-સ્ટેશનને સ્પષ્ટ આદેશ

હેમંત નગરાળે (ફાઈલ તસવીર)

ઘાટકોપર-વેસ્ટના સાકીનાકામાં બનેલી રેપની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને ફરી એવી ઘટના ન બને એ માટે મુંબઈના પોલીસ-કમિશનર હેમંત નગરાળેએ દરેક પોલીસ-સ્ટેશનને મહિલાઓની સુરક્ષા જાળવવાનો ખાસ આદેશ આપ્યો છે અને સૂચન પણ કર્યાં છે અને એ સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવા જણાવ્યું છે. એમાં કોઈ પણ બેદરકારી નહીં ચલાવી લેવાય એવા સ્પષ્ટ આદેશ તેમણે આપ્યા છે.

એ સૂચનોમાં જો પોલીસ કન્ટ્રોલ રૂમ (100 નંબર) પર કોઈ પણ મહિલાનો ફોન આવે તો એને તરત જ અટેન્ડ કરવાનું કહેવામાં આવ્યું છે. કન્ટ્રોલ-રૂમ અધિકારીને એના પર ખાસ ધ્યાન આપવાનું જણાવ્યું છે. પોલીસ થાણેની હદમાં અંધારી જગ્યાએ નિર્જન જગ્યાઓને શોધી કાઢીને ત્યાં પોલીસ બિટ માર્શલ્સ અને પૅટ્રોલિંગ વધારવું. એ અંધારી જગ્યાઓએ પાલિકાને કહીને લાઇટનો બંદોબસ્ત કરાવવો. જ્યાં મહિલાઓનાં જાહેર શૌચાલય છે ત્યાં લાઇટની પૂરતી વ્યવસ્થા કરવી અને પૅટ્રોલિંગ પણ કરવું. જો પૅટ્રોલિંગ કરતી વખતે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેની પૂછપરછ કરવી. જો સંતોષકારક જવાબ ન મળે તો યોગ્ય કાર્યવાહી કરવી. રાતના સમયે જો કોઈ એકલી મહિલા જોવા મળે તો તેની તરત મદદ કરવી અને તેને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવી.  ગર્દુલ્લાઓ સામે તો પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવી. રસ્તા પર ત્યજી દેવાયેલાં વાહનોના માલિકોને શોધી ત્યાંથી એ હટાવવાનું તેમને કહેવું અથવા એ વાહનો તાબામાં લઈ કાર્યવાહી કરવી. મહિલાઓની છેડતી, બળાત્કાર, વિનયભંગના ગુનાસર પકડાયેલા આ પહેલાંના આરોપીઓની યાદી તૈયાર કરવી અને તેમના પર પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવી. બહારગામની ગાડીઓ જે સ્ટેશન પર આવતી હોય ત્યાં રાતે ૧૦થી સવારે ૭ વાગ્યા સુધી  એક મોબાઇલ વૅન તહેનાત રાખવી. એકલો પ્રવાસ કરીને આવનાર મહિલાઓને મદદ કરવી. જો વાહનમાં જતી હોય તો રિક્ષા કે ટૅક્સીનો નંબર, ડ્રાઇવરનો લાઇસન્સ-નંબર નોંધીને તેને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરવી. 

mumbai mumbai news